ગુજરાત
News of Wednesday, 29th August 2018

ગુજરાતમાં ૪૫ તાલુકાઓમાં મેઘમહેર

૪૮ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી...ઉકાઈ ડેમની જળ સપાટી ૩૧૬.૬૫ ફુટે પહોંચી

વાપી, તા. ૨૯ :. ચોમાસાની સિઝનમાં મેઘરાજાના બીજા રાઉન્ડમાં મન મુકીને ન વરસતા રાજ્યના માત્ર ૪૫ તાલુકાઓમાં ઝરમરથી ૨ાા ઈંચ સુધીનો જ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સક્રિય થયેલ અપર એર સાયકલોનીક સરકયુલેશનને પગલે આગામી ૪૮ કલાક દરમ્યાન રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ખેડબ્રહ્મા ૫૯ મી.મી., દાતા ૫૫ મી.મી., ઈડર અને વડાલી ૪૦ - ૪૦ મી.મી., પોસીના ૩૭ મી.મી., વિજયનગર ૩૪ મી.મી., અમીરગઢ ૨૭ મી.મી., ઉમરગામ ૧૯ મી.મી. તો ભીલોડા, સતલાસણા અને દાતીવાડા ૧૫ - ૧૫ મી.મી. વરસાદ નોંધાયેલ છે. જ્યારે રાજ્યના અન્ય ૩૪ જેટલા તાલુકાઓમાં ૧ થી ૧૩ મી.મી. સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે. દક્ષિણ ગુજરાતના મહત્વના ગણાતા ઉકાઈ ડેમની જળસપાટી ઉપરવાસના પાણીને પગલે સતત વધી રહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં ડેમમાં આશરે ૪૪,૦૦૦ કયુસેક જેટલી પાણીની નવી આવકને પગલે આજે સવારે ૮ કલાકે ડેમની જળસપાટી સતત વધીને ૩૧૬.૬૫ ફુટે પહોંચી છે. જ્યારે કોઝવેની જળસપાટી છેલ્લા ૭૨ કલાકથી ૬.૩૬ મીટરે સ્થિર રહેવા પામી છે. આમ છતાં હજુ કોઝવે બંધ રાખવાની ફરજ પડી છે.

(3:44 pm IST)