ગુજરાત
News of Wednesday, 29th August 2018

ગુજરાતના આ ૧૭ વર્ષના સન્યાસીનું મગજ સુપર કોમ્પ્યુટર જેવું

જૈન ધર્મગ્રંથો અનુસાર ૧૭ વર્ષીય સંતને 'મહા શત્વધની' એટલે કે એવો વ્યકિત જે એકસાથે ૨૦૦ જેટલા જુદા જુદા વિષયનું જ્ઞાન ધરાવે

અમદાવાદ તા. ૨૯ : આપણે ઘણા એવા લોકો અંગે સાંભળ્યુ હોય છે કે તેમની બુદ્ઘિ પ્રતિભા અથવા તેમનામાં રહેલી કોઈ એવી વિશેષ વાત જે સામાન્ય રીતે દુનિયાના કોઈ વ્યકિતમાં જોવા મળતી નથી. આવી જ ભાગ્ય જોવા મળતી બુદ્ઘિ પ્રતિભાના ધણી છે ગુજરાતમાં એક એવા સાધુ જેમની ઉંમર માત્ર ૧૭ વર્ષ છે પણ તેમની મેધાશકિત કોઈ સુપર કોમ્પ્યુટર જેવી છે. આગામી ૨ સપ્ટેમ્બરના રોજ બેંગાલુરુ ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં તેઓ પોતાની આ મેધાવી પ્રતિભાને લોકો સમક્ષ રજૂ કરશે.

આ ૧૭ વર્ષીય મુની પદ્મપ્રભચંદ્રસાગર આ કાર્યક્રમમાં એકસાથે ૨૦૦ જેટલા પ્રશ્નો સાંભળશે અને પછી તે તમામ પ્રશ્નોના એક બાદ એક કાળક્રમાનુંસાર ઉત્તર આપશે. પોતાની પ્રચૂર મેધાશકિતને દર્શાવવા માટે મુની લોકોને પૂછાયેલ ૨૦૦ પ્રશ્નોમાંથી કોઈપણ પ્રશ્નને આડો અવડો પૂછવા માટે પણ છૂટ આપશે. આ કાર્યક્રમ બાદ જૈન ધર્મગ્રંથો અનુસાર ૧૭ વર્ષીય સંતને 'મહા શત્વધની' એટલે કે એવો વ્યકિત જે એકસાથે ૨૦૦ જેટલા જુદા જુદા વિષયનું જ્ઞાન ધરાવે છે.

જૈન મુનીને પૂછવામાં આવનાર સવાલમાં જુદા જુદા શ્લોકથી લઇને જૈન ધાર્મિક ગ્રંથો, ગણિતના દાખલા, સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો, ભારત અને વિદેશી ભાષાના સુવાકયો અને શબ્દસમૂહો અને તે પણ અને શ્રાવ્ય અને સંવેદનાત્મક ઇનપુટ્સ સાથે. નિષ્ણાંતો કહે છે કે અવધાન એક એવી પ્રોસેસ છે જેના દ્વારા વ્યકિત એક જ સાથે તમામ વસ્તુઓ યાદ રાખી શકે છે. કહેવાય છે કે શત્વધાની વ્યકિત એકસાથે ૧૦૦ વસ્તુઓને રીકોલ કરી શકે છે.

આ ૧૭ વર્ષીય બાલ મુનીએ વર્ષ ૨૦૧૪માં પણ મુંબઈ ખાતે પોતાના આચાર્ય નયચંદ્રસાગરજીના અન્ય બે શિષ્યો સાથે શત્વધાન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે ૧૦૦થી લઈને ૫૦૦ જેટલા જુદા જુદા પ્રશ્નોને યાદ કરીને પોતાની બુદ્ઘી પ્રતિભાથી લોકોને અચંબિત કરી દીધા હતા. આ ત્રણેય મુનીઓ અને તેમના ગુરુ આચાર્ય નયચંદ્રસાગરજી ગુજરાતના રહેવાસી છે. મહત્વપૂર્ણ વાત છે કે ત્રણમાંથી કોઈ મુની ધો. ૮થી આગળ ભણ્યું નથી.

આ અંગે તેમના આચર્ય નયચંદ્રસાગરજીએ કહ્યું કે, 'મુની શત્વધની બને તેવું ખૂબ ઓછું બને છે. તેમાં પણ પાછલા થોડા વર્ષોથી આવું બનતું નથી. આ માટે સતત માનસીક તૈયારી અને મગજને કસવું પડે છે. આ માટે પ્રગાઢ એકાગ્રતા ખૂબ જ જરુરી છે. જયારે મારા આ શિષ્યોએ જે મળવ્યું છે તે જોઈને કહી શકાય કે બુદ્ઘિ પ્રતિભા જન્મથી નથી મળતી તેને વિકસાવવી પડે છે.' હાલ આચાર્યના સરસ્વતી સાધના રીસર્ચ ફાઉન્ડેશનમાં ૩૫૦૦૦ બાળકો પોતાનો મેમરી પાવર વધારવા માટે જોડાયેલ છે.

બેંગાલુરુમાં યોજાનાર આ કાર્યક્રમમાં દેશભરમાંથી ૬૦૦૦ જેટલા લોકો આવશે. દ.ભારતમાં પહેલીવાર આ પ્રકાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ પહેલા ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ પ્રકારના કાર્યક્રમ થઈ ચૂકયા છે. કાર્યક્રમના આયોજકોએ કહ્યું કે, જે પણ લોકો આ કાર્યક્રમાં આવશે તે તમામને એક બૂકલેટ આપવામાં આવશે જેથી તેઓ તેમાં નોંધ તૈયાર કરી શકે અને આ તમામ પ્રેક્ષકો જજની ભૂમિકામાં હશે. લોકો જ નક્કી કરશે કે જે દાવો કરવામાં આવ્યો છે તે શું ખરેખર સાચો છે.

અમદાવાદના ન્યુરોસર્જન ડો. સુધીર શાહે કહ્યું કે, 'વ્યકિતના મગજમાં મેધાશકિતનું વિકસવું એક ખૂબ જ જટીલ પ્રક્રિયા છે. તેમાં મગજના અનેક ભાગ અને તંતૂઓ કામ કરતા હોય છે. અમે ૨૦૧૫માં આચાર્યની સંસ્થા સાથે જોડાયેલ કેટલાક બાળકો પર રીસર્ચ કર્યું હતું અને અમને ખૂબ જ પ્રોત્સાહક પરિણામ પણ મળ્યું હતું.' તેમણે કહ્યું કે, 'એ શકય છે કે મુનિ કોઈપણ વ્યકિતમાં વર્કિંગ મેમરીને ૩૦ સેકન્ડ માટે લંબાવી શકે છે અને આ પ્રોસેસને સતત પ્રેકિટસથી મગજમાં એક જબરજસ્ત મજબૂત નેટવર્ક તૈયાર થાય છે. જે તમારી બુદ્ઘી પ્રતિભાને એકદમ વિકસિત કરી શકે છે.'

(11:46 am IST)