ગુજરાત
News of Wednesday, 29th August 2018

ફાયરીંગ કરીને ભાગેલા સૌરાષ્ટ્રના કુખ્યાત ગુનેગાર શૈલેષ સહિત ત્રણની અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ

શૈલેષ ધાંધલીયા તેના સાગરીતો સાથે એસ.પી. રીંગ રોડ પાસે બ્રેઝા કારમાં આવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી

અમદાવાદ તા. ૨૯ : દસેક દિવસ પહેલા જમીનની અદાવતમાં તળાજા પાસે ગોળીબાર કરીને ભાગેલા સૌરાષ્ટ્રના કુખ્યાત ગુનેગાર શૈલેષ ધાંધલિયા સહિત ત્રણની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ બ્રેઝા કારમાં વટવા નજીક રિંગ રોડ પર એક હોટલ નજીક આવ્યાં હોવાની બાતમી પોલીસને મળી હતી. નોંધનિય છે કે, શૈલેષ વિરૂધ્ધ હત્યા સહિતના અનેક ગુના સૌરાષ્ટ્રના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે..

ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી દીપન ભદ્રને શહેરમાં ગંભીર ગુનાના આરોપીઓ કોઇ અનિચ્છનિય બનાવને અંજામ ન આપે તે માટે એલર્ટ રહેવા ટીમને સૂચના આપી હતી. દરમિયાન ઈન્ચાર્જ એ.સી.પી. એસ.એલ ચૌધરીની આગેવાનીમાં પી.આઈ. ભાવેશ રોજીયા અને ટીમે એક બાતમી આધારે વટવા ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ પાસેથી આરોપી ભદ્રેશ ઉર્ફ ભૂરો રમેશભાઇ ગોસ્વામી (ઉં.૩૪, રહે. સથારા, તળાજા), શૈલેષ મનુભાઈ ધાંધલિયા (ઉં.૩૯, રહે. સથારા, તળાજા૦ અને મુકેશ મગનભાઈ શિયાળ (ઉં.૩૮, રહે. દિનદયાલનગર, મહુવા રોડ)ને એક બ્રેઝા કારમાંથી ઝડપી પાડ્યા હતા. .

પુછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, દસેક દિવસ પહેલા જમીનની અદાવતમાં તકરાર થતા ગોળીબાર કરીને તે પોલીસથી બચવા ભાગ્યા હતા અને અમદાવાદ આવ્યાં હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી તળાજા પોલીસને સોંપવા કાર્યવાહી શરૂ કરી હતી. . ઈન્ચાર્જ એ.સી.પી. એસ.એલ.ચૌધરીએ જણાવ્યું હતુ કે, શૈલેષ ધાંધલિયા સૌરાષ્ટ્રનો નામચીન ગુનેગાર છે. તેના વિરૂધ્ધ હત્યા, અપહરણ, ચોરી અને લૂંટ સહિતના દસેક જેટલા ગુના નોંધાયેલા છે.(૨૧.૧૦)

(11:43 am IST)