ગુજરાત
News of Wednesday, 29th August 2018

હાર્દિક પટેલ સાથે ઉપવાસ છાવણીમાં પ્રફુલ પટેલની મુલાકાતઃ આંદોલનને ટેકો જાહેર કર્યોઃ મધ્યપ્રદેશથી ૩૦૦ ગાડીઓ ભરીને આવેલા સમર્થકોને પોલીસે અટકાવ્યા

અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે ચોથો દિવસ છે. એનસીપીના નેતા પ્રફુલ પટેલે આજે હાર્દિકની મુલાકાત લઈને તેની માગણીઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે. પાસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હાર્દિકના સમર્થનમાં પૂર્વ પીએમ એચડી દેવગૌડા પણ બેંગલુરુમાં આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.

હાર્દિકે ગઈકાલે દાવો કર્યો હતો કે, મધ્યપ્રદેશથી 300 ગાડીઓ ભરીને તેના સમર્થકો તેને મળવા અમદાવાદ આવી રહ્યા છે. આજે મધ્યપ્રદેશથી કેટલાક લોકો હાર્દિકને મળવા આવી પહોંચ્યા હતા. જોકે, પોલીસે તેમને વૈષ્ણોદેવી સર્કલ તરફ જવા ફરજ પાડી હતી. પોલીસે માત્ર સાત જ આગેવાનોને હાર્દિકને મળવાની મંજૂરી આપી હતી. જ્યારે અન્ય લોકોને જવા નહોતા દીધા. આ લોકોએ લોકલ ન્યૂઝ ચેનલ્સને જણાવ્યું હતું કે, તેઓ કોઈ હંગામો કરવા નથી આવ્યા છતાં પોલીસ તેમને હાર્દિકને મળવા નથી દેવાઈ રહ્યા.

હાર્દિકે પોતાના આંદોલનને રોકવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે માનવ અધિકાર પંચને પત્ર પણ લખ્યો છે. જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે, તેને હેરાન કરવા માટે સરકાર દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા છે, અને તેની સ્વતંત્રતા જોખમાય તેવા પ્રયાસો પણ કરાયા છે. હાર્દિકે એવો પણ દાવો કર્યો છે કે, તેના સમર્થકોને ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા જિલ્લામાં નજરકેદમાં રાખવામાં આવ્યા છે.

હાર્દિકે જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થા જોખમાય તો તેની સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે તેવી લેખિતમાં બાંહેધરી આપેલી હોવા છતાં તેને ભૂખ હડતાળ પર બેસવાની પરવનાગી આપવામાં નથી આવી. હાર્દિકે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેના ઘરની બહાર કેટલા મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે તે બતાવાયું છે.

હાર્દિકના ઉપવાસને ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિકની સોમવારે મુલાકાત પણ લીધી હતી, અને ગવર્નરને આ અંગે આવેદનપત્ર પણ આપ્યું હતું. હાર્દિક ખેડૂતોના દેવાની માફી અને પાટીદારોને અનામતની માગ સાથે છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર છે. ડોક્ટરોએ તેને પ્રવાહી લેવાની સલાહ પણ આપી છે. જોકે, ગઈકાલે તેણે દાવો કર્યો હતો કે, તેને કશુંય થવાનું નથી.

(9:06 am IST)