ગુજરાત
News of Wednesday, 29th August 2018

અમદાવાદમાં સ્ટ્રીટલાઇટ નાખવાની કામગીરી દરમ્યાન વિજશોક લાગતા ૨ મજૂરોના મોત

અમદાવાદઃ નિર્ણયનગર વિસ્તારમાં મંગળવારે સેક્ટર-4માં સ્ટ્રીટ લાઈટ નાંખવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બે મજૂરોને કરંટ લાગતા તેમના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે.

મળી રહેલી માહિતી મુજબ મંગળવારે સવારથી નિર્ણયનગરમાં આવેલા સેક્ટર-4માં સ્ટ્રીટ લાઈટ નાંખવાની કામગારી ચાલી રહી હતી. આ દરમિયાન ઘર નંબર 313 અને 314ની વચ્ચે સિતારામ વલીભાઈ પઢાર (30) અને નિજામભાઈ વલીભાઈ પઢાર (35) કામ કરી રહ્યા હતા. અંડરગ્રાઉન્ટ ઈલેક્ટ્રીક વાયરની લાઈન ત્રિકમ વડે કપાઈ જતા આ બંને કામદારોને કરંટ લાગ્યો અને ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બે કામદારોના મોતના પગલે સ્થાનિક લોકોના ટોળા પણ ભેગા થયા હતા. બંને કામદારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર ગણપતભાઈ મેઘજીભાઈ પરમારના કામદારો હતા. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)