ગુજરાત
News of Thursday, 29th July 2021

વૈશ્વિક ધરોહર ધોળાવીરાની પુરાતત્વ વિભાગ અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ન ધણિયાતું મૂકી દીધું : અર્જુન મોઢવાડિયાનો આક્ષેપ

રાજ્ય સરકાર હસ્તકની ‘તોરણ હોટલ’ છેલ્લા 5 વર્ષથી બંધ: પીવાના પાણી માટે પણ પ્રવાસીઓ ખાનગી હોટલોના સહારે :ગુજરાતને પ્રવાસનધામ તરીકે વિકસાવવુ હશે તો આ પ્રકારની લાલીયાવાડીમાંથી બહાર આવવુ પડશે

અમદાવાદ : કચ્છ જિલ્લાનાં ઘોળાવીરાને UNESCO ની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળ્યું છે. આ નિર્ણયને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ માત્ર ગુજરાત માટે જ નહીં સમગ્ર દેશ માટે ગૌરવની વાત ગણાવી છે. પરંતુ કેન્દ્ર સરકાર હસ્તકના પુરાતત્વ વિભાગ કે રાજ્ય સરકાર હસ્તકના પ્રવાસન વિભાગ દ્વારા 5 હજાર વર્ષ પ્રાચીન હડપ્પા સંસ્કૃતિની ધરોહરને સાચવીને બેઠેલ ધોળાવીરાને ન ધણીયાતુ હોય તેમ રઝળતુ મુકી દીધું હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

આ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ધોળાવીરા ખાતે આવેલ રાજ્ય સરકાર હસ્તકની ‘તોરણ હોટલ’ ને છેલ્લા 5 વર્ષથી તાળા મારીને ખાનગી રિસોર્ટ/હોટલ માલિકોને પ્રવાસીઓને લૂંટવાનો ખુલ્લો પરવાનો આપી દેવાયો છે. પ્રવાસીઓ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો માટે પણ આ ખાનગી રિસોર્ટ માલીકોના હવાલે છે, જે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રવાસીઓ વાહનમાં પેટ્રોલ/ડીઝલ ભરાવવુ હોય તો પેટ્રોલ પંપ ધોળાવીરાથી 60 KM દુર આવેલ છે. વાહનોમાં યાંત્રીક ખામી સર્જાય તો પણ પ્રવાસીઓ રઝળી પડે તેવી કરુંણ સ્થિતી છે. પ્રવાસીને નાણાંની જરૂર પડે તો બેંક કે ATM માટે પણ રાપર એટલે કે 100 KM દુર જવુ પડે. રાજ્ય સરકારનું વાર્ષિક પ્રવાસન બજેટ ₹ 488 કરોડ હોવા છતાં ધોળાવીરા જેવી વૈશ્વિક ધરોહરની આસપાસ પ્રવાસીઓ માટે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ના કરાવી શક્યા હોય તો પછી પ્રવાસન બજેટ વપરાય ક્યાં છે ?

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને પ્રવાસનધામ તરીકે વિકસાવવુ હશે તો આ પ્રકારની લાલીયાવાડીમાંથી બહાર આવવુ પડશે. ધોળાવીરા જેવી વૈશ્વિક ધરોહરને નિહાળવા વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે જરૂરી છે. જે માટે પ્રવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળે તે જરૂરી છે. રાજ્ય સરકારને આ દિશામાં તાત્કાલિક પગલાં લેવા માટે માંગણી કરી છે.

(8:09 pm IST)