ગુજરાત
News of Thursday, 29th July 2021

સરકારને મોંઘવારી નડી : જન્માષ્ટમી પર કપાસિયા તેલ ૯૩ રૂપિયે લીટર આપશે

ગયા વર્ષે ૫૧ રૂ.નું લીટર અપાયેલ : આ વખતે સરકારને પડતર ભાવ રૂ. ૧૬૩ : ૭૧ લાખ પાઉચ વિતરણમાં ૪૯.૭૦ કરોડની સબસીડી

રાજકોટ તા. ૨૯ : રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભાર્થી ૭૧ લાખ પરિવારોને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરિવાર દિઠ એક લીટર કપાસિયા તેલના પાઉચનું વિતરણ થનાર છે. ગયા વર્ષે સરકારે ૫૧ રૂપિયે લીટર તેલ આપેલ. આ વખતે ખાદ્યતેલોના ભાવ વધતા તેની અસર રાહતભાવ પર પડી છે. ગરીબોને કપાસિયા તેલ રૂપિયા ૯૩ના લીટર મુજબ પાઉચમાં મળશે. જેનું વિતરણ ઓગસ્ટમાં રેશનકાર્ડ આધારે થશે.

નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવ નયના પટેલની સહીથી ગઇકાલે બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં જણાવાયા મુજબ સરકારનો ખરીદ ભાવ રૂ. ૧૪૭.૫૭ અને પડતર ભાવ રૂ. ૧૬૨.૭૨ છે. વિતરણ ભાવ પ્રતિ લીટરના રૂ. ૯૩ રહેશે. લાભાર્થીને લીટર દિઠ રૂ. ૭૦ સબસીડી મળશે. કુલ ૭૧ લાખ પરિવારોને બજાર ભાવ કરતા અને સરકારના પડતર ભાવ કરતા ઓછા ભાવે રૂ. ૯૩ લેખે કપાસિયા તેલના પાઉચ વિતરણ કરવામાં સરકારે સબસીડી પેટે કુલ રૂ. ૪૯.૭૦ કરોડ ખર્ચવા પડશે. મોંઘવારીનો ખુદ સરકારને પણ અનુભવ થયો છે.

(2:59 pm IST)