ગુજરાત
News of Wednesday, 29th June 2022

વડોદરા:હાલોલના પાંચકોબલા ગામે નજીવી બાબતે થયેલ તકરારમાં પિતાએ તીક્ષ્ણ વસ્તુએ કર્યો પુત્ર પર હુમલો:ટૂંકી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા હત્યાનો ગુનો દાખલ

વડોદરા: હાલોલના પાંચકોબલા ગામમાં પિતા પુત્ર વચ્ચે થયેલી તકરારમાં પિતાએ પુત્રના મોઢાના ભાગે તિક્ષણ વસ્તુ ફટકારતા પુત્રનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે હાલોલ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેર-જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ  વધી રહ્યું છે. ખાસ કરીને આજના યુગમાં હત્યાના ગુનાઓ ચિંતાજનક બન્યા છે. ગઈકાલે સાવલી નજીક પ્રેમી સાથે લગ્નની જીદે માતાએ છ વર્ષના પુત્રનું ગળું દાબી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. તેવામાં આજે હાલોલ ખાતે પિતાએ પુત્રની હત્યા કર્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ પાંચ કોબલા વિસ્તારના સરપંચ ફળિયામાં રહેતા 35 વર્ષીય સંજયભાઈ કનુભાઈ બારીયાની કોઈક કારણોસર પિતા કનુભાઈ બારીયા સાથે તકરાર થઈ હતી. તે સમયે પિતાએ શિક્ષણ વસ્તુ પુત્રના મોઢે મારતા સંજયભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી બેભાન અવસ્થામાં વધુ સારવાર અર્થે અત્રેની સયાજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સર્જરી વિભાગમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે હાલોલ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:20 pm IST)