ગુજરાત
News of Wednesday, 29th June 2022

સુરતના ગોડાદરા વિસ્તારમાં દલાલે પુત્ર-પુત્રીને વેપારી તરીકે રજૂ કરી 11 લાખની સાડી ખરીદી પેમેન્ટ ન કરતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

સુરત: શહેરના ગોડાદરાના દલાલે પોતાના જ પુત્ર અને પુત્રીને મોટા વેપારી તરીકે રજૂ કરી રૂ.11 લાખથી વધુની સાડી મંગાવ્યા બાદ પેમેન્ટમાંથી હાથ ઊંચા કરી મકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.

મૂળ ભાવનગરના શિહોરના બુઢણા ગામના વતની અને સુરતમાં ઉધના હરિનગર 3 શુભ રેસિડન્સી ઘર નં.બી/1-113 માં રહેતા 38 વર્ષીય મનિષભાઈ રાહજીભાઇ ચૌહાણની સલાબતપુરા ખાતે વણકર ટેક્ષટાઈલ માર્કેટમાં ભવાની ક્રિએશનના નામે કાપડની દુકાન અને ભેસ્તાનમાં આદેશ સિલ્ક મિલ્સના નામે લુમ્સનું કારખાનું છે. વર્ષ 2019 માં પરિચિત દલાલ સુરેશભાઈ રામવિલાસ મહેશ્વરી ( ટવાણી ) એક યુવક અને યુવતીને લઈ તેમની દુકાને આવ્યા હતા. બંને બેંગ્લોર અને સુરતમાં પરવત ગામ ઋષિવિહાર સોસાયટીમાં રહેતા અને લક્ષ્મી ટેક્ષ્ટાઇલના નામે વેપાર કરતા મોટા વેપારી લલીત અને મોનીકા તરીકે આપી સમયસર પેમેન્ટનો વાયદો કરી વેપાર શરૂ કરાવ્યો હતો. મનિષભાઈ લલીત અને મોનીકા વતી સુરેશભાઈ જે ઓર્ડર આપતા તે વેપારીને ત્યાં સાડીનો માલ મોકલી આપતા હતા.ઓગષ્ટ 2019 બાદ રૂ.11,08,359 ની મત્તાની સાડી મોકલાવી પણ તેના પેમેન્ટ વેળા વાયદા કરી ધમકી અપાઈ હતી. મનિષભાઈ ગોડાદરામાં વ્રજભૂમિ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.905 માં પેમેન્ટ લેવા ગયા ત્યારે લલીત અને મોનીકા સાથે સુરેશભાઈ પણ હાજર હતા. ત્યારે તે સુરેશભાઈના સંતાનો હોવાનો ભાંડો ફૂટ્યો હતો.જોકે, પેમેન્ટ આપવાને બદલે સુરેશભાઈએ ધમકી આપી હતી કે અમે કોઈને પૈસા આપ્યા નથી કોઈ કશું બગાડી શક્યા નથી.અને થોડા દિવસ બાદ તમામ મકાન ખાલી કરી રફુચક્કર થઈ જતા સલાબતપુરા પોલીસ મથકે સુરેશભાઈ અને સંતાનો વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ છે.

(6:17 pm IST)