ગુજરાત
News of Wednesday, 29th June 2022

ગાંધીનગરમાં ઘ-6સર્કલ નજીક પાણીની પાઈપલાઈન તૂટી જતા વગર વરસાદે ખાબોચિયા ભરાયા

ગાંઘીનગર :  ગાંધીનગર શહેરમાં હાલ પાણી અને ગટરની નવી લાઇન નાંખવા માટે ખોદકામ ચાલી રહ્યું છે અને આડેધડ કામગીરીના કારણે ઠેકઠેકાણે મોટા ભુવા પણ પડી ગયા છે. ત્યારે આજે શહેરના ઘ-૬ પાસે પાણીની લાઇન નંખાયા બાદ પુરાણનું કામ ચાલી રહ્યું હતું તે જ સમયે પાણીની લાઇન તૂટી જતા વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી જેના પગલે કોર્પોરેશન તંત્રએ આ એજન્સીને નોટિસ પણ ફટકારી છે.

ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક પાણીનો પુરવઠો પહોંચાડવા માટે નવી પાણીની લાઇન નાંખવામાં આવી રહી છે તેની સાથે ગટર લાઇન માટેની કામગીરી પણ ચાલી રહી છે બન્ને એજન્સી દ્વારા શહેરના માર્ગોની બન્ને તરફ ખોદકામ કરવામાં આવી રહ્યું છે જો કે, યોગ્ય પુરાણ નહીં થવાને કારણે ઘણા સ્થળોએ ખાડા પણ પડી ગયા છે ત્યારે આજે શહેરના ઘ-૬ પાસે પાણીની લાઇન માટે ખોદકામ પ્રક્રિયા પુર્ણ થઇ ગયા બાદ એજન્સીના કર્મચારીઓ દ્વારા પુરાણ કરવામાં આવી રહ્યું હતું તે જ સમયે નીચે પસાર થઇ રહેલી પાણીની જુની લાઇન તૂટી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી અને આ સ્થને વગર વરસાદે મસમોટો ભુવો પણ પડી ગયો હતો. સવારના સમયે મોટી સંખ્યામાં લોકો બસસ્ટેન્ડ પાસે ઉભા હતા તે જ સમયે આ સ્થિતિ સર્જાતા સ્થાનિકો હેરાન થઇ ગયા હતા. આ મામલે કોર્પોરેશન તંત્રને જાણ થતા મેયર કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને એજન્સી પાસે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે કોર્પોરેશનના તંત્રને કામે લગાડવામાં આવ્યું હતું અને ત્રણ જેટલા ફાઇટર મુકીને પાણીનો નિકાલ કરવારમાં આવ્યો હતો. બીજીબાજુ કામગીરીમાં બેદરકારી દાખવનાર આ  એજન્સીને નોટિસ ફટકારવાની તજવીજ પણ શરૃ કરવારમાં આવી છે.

(6:15 pm IST)