ગુજરાત
News of Wednesday, 29th June 2022

ગાંધીનગરમાં ઘ-0થી રિલાયન્સ ચાર રસ્તા નજીક માર્ગ પરથી લારી ગલ્લાના દબાણ હટાવવામાં આવ્યા

ગાંઘીનગર : ગાંધીનગર શહેરના ઘ-૦થી રીલાયન્સ ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર લારી ગલ્લાના દબાણોનો રાફડો ફાટયો હતો ત્યારે આજે કોર્પોરેશનની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણોને દુર કર્યા છે. અગાઉ યુનિયનના વિરોધને પગલે કોર્પોરેશનને પરત ફરવું પડયું હતું ત્યારે આજે ૩૦થી વધુ લારી ગલ્લાને જપ્ત કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગર શહેરમાં વનવિભાગ અને સરકારની કરોડો રૃપિયાની જમીન ઉપર દબાણો ઉભા થઇ ગયા છે. કોર્પોરેશન દ્વારા નામ પુરતી દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેના પગલે નવા વિસ્તારોમાં પણ હવે માર્ગોની બન્ને બાજુએ દબાણોનો રાફડો ફાટયો છે. શહેરના ઘ-૦થી રીલાયન્સ ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર સરકાર અને વનવિભાગની જમીન ઉપર આખેઆખું ખાણીપીણી બજાર ઉભું થઇ ગયું હતું. સ્થાનિકોને રાત્રીના સમયે ત્યાંથી નિકળતા પણ અડચણનો સામનો કરવો પડતો હતો એટલુ જ નહી, નોનવેજની લારીઓ ઉપર અસામાજિક તત્વોનો અડ્ડો પણ થઇ ગયો હતો. ત્યારે આ સ્થિતિની ફરિયાદ બાદ કોર્પોરેશનની ટીમ દબાણ હટાવવા માટે ગઇ હતી પરંતુ સ્થાનિક દબાણકારોના વિરોધને પગલે આ ટીમને પરત ફરવું પડયુ હતું જેના પગલે આજે ઇન્ફોસિટી પોલીસના કાંફલા સાથે કોર્પોરેશનની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી હતી અને આ માર્ગ ઉપર તબક્કાવાર ૩૦થી વધુ લારી ગલ્લાના દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં હવે ફેન્સીંગ કરવા માટેની કામગીરી પણ શરૃ કરવામાં આવનાર છે જેથી કરીને દબાણો ફરિવાર ઉભા થાય નહીં.

(6:15 pm IST)