ગુજરાત
News of Wednesday, 29th June 2022

સુરતના સચિનમાં જલારામનગરમાં બિનઉપયોગી પાણીના અંડરગ્રાઉન્‍ડ ટાંકાની સાફસફાઇ કરતા માનવ કંકાલ મળતા ખળભળાટઃ ઓળખ મેળવવા તપાસ

પોલીસે માનવકંકાલને સિવિલ હોસ્‍પિટલ મોકલી તેસ્ત્રીનું છે કે પુરૂષનું? તે જાણવા એફએસએલની મદદ લેવાઇ

સુરતઃ સુરતના સચિનમાં આવેલ જલારામનગરમાં વરીયાવ જુથનું પાણી લાવવાની તૈયારીના ભાગરૂપે કોર્પોરેશનના બિનઉપયોગી પાણીના અંડરગ્રાઉન્‍ડ ટાંકાની સાફસફાઇ કરતા માનવ કંકાલ મળી આવતા પોલીસે માનવ કંકાલને સિવિલ હોસ્‍પિટલ ખાતે મોકલી કંકાલસ્ત્રીનું છે કે પુરૂષનું? તે જાણવા એફ.એસ.એલ.ની મદદ લેવાઇ છે. વધુ તપાસ આરંભાઇ છે.

રાજ્યમાં હવે ક્રાઈમને કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સુરતના સચિનના જલારામનગરમાં હૃદય હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચ્યો છે. સચિન પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. સુરતના સચિન કોમ્યુનિટી હોલ નજીક આવેલાં જલારામ નગરમાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનું સાફ સફાઈ કરવા જતાં બિનઉપયોગી પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના સચિન કોમ્યુનિટી હોલ નજીક આવેલાં જલારામ નગરમાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં આગામી દિવસોમાં વરીયાવ જૂથમાંથી સ્થાનિક લોકો માટે પીવાનું મીઠું પાણી લાવવા માટેની તૈયારીઓ મહાપાલિકા દ્વારા ચાલી રહી હતી. આ ટાંકીમાં વરીયાવ જૂથમાંથી પાણી લાવવામાં આવે તે પહેલાં તેને ચોક્કસ રીતે સાફ સફાઇ કરવી જરૂરી હોય તેને સાફ કરાવવા માટે સફાઇ કર્મીને કામે લગાડાયો હતો.

જોકે, આ ટાંકી બન્યાં બાદ બિલકુલ વપરાશમાં લેવાઇ ન હતી. કારણ કે સચિન નગરપાલિકાના શાસન દરમિયાન મીઠાપાણી લાવવા માટેનો સમગ્ર તખ્તો કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ પટેલ, પ્રમુખ સોલંકી, ચંપકભાઇ પરમાર તથા તેમની ટીમની આગેવાનીમાં ઘડાઇ ગયો હતો પરંતુ સંજોગો વસાત મહાનગરપાલિકાએ હદ વિસ્તરણ કરી દેતાં પીવાના પાણીનો મુદ્દો અભરાઈએ રહી ગયો હતો.

હાલમાં આ ટાંકીમાં વરીયાવ જૂથનું પાણી લાવવાની તૈયારીઓ વચ્ચે ટાંકીને સાફ કરવા ઉતરનારા સફાઇ કર્મીને પાણીની સામાન્ય સપાટીમાં માનવ દેહનો કંકાલ દેખાઈ આવતાં તેણે તેની સાથે આવેલાં મહાપાલિકાના કર્મચારી જીતેન પટેલને જાણ કરી હતી. જીતેન પટેલે સચિન પોલીસને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.

હાલ માનવ કંકાલ ને સિવિલ ખાતે મોકલી આવામાં આવ્યું હતું. એક માનવ કંકાલ સ્ત્રી નું છે કે પુરુષનું તે અંગે જાણવા એફ.એસ.એલ ની મદદ લેવામાં આવશે.

(5:17 pm IST)