ગુજરાત
News of Wednesday, 29th June 2022

વરસાદી માહોલ વચ્‍ચે શહેરમાં લગ્નસરાની રોનક ફિક્કી

આગામી ૧૦ જુલાઇએ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની ચાલુ સિઝન પૂરી થશે

સુરત, તા.૨૯: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર મહિનાથી જોવા મળતી લગ્નસરાની રોનક વરસાદી માહોલ વચ્‍ચે ફિક્કી પડી ગઈ છે. ગત એપ્રિલ માસ પછી લગ્નસરાની ધૂમ વચ્‍ચે મહેરમાં સંખ્‍યાબંધ લગ્ન સમારોહ યોજાયા હતા.

જોકે, હવે વરસાદી માહોલ વચ્‍ચે લગ્ન આયોજનોની સંખ્‍યા ઘટવાની સાથે જ ચાલુ સિઝનમાં હવે માત્ર ૬ મુહૂર્ત જ બાકી રહ્યા છે. ગત ર૪ જૂનના રોજ મુહૂર્ત બાદ અઠવાડિયાનો વિરામ પડ્‍યો હતો. જયારે આગામી ૩થી ૮ જુલાઈ વચ્‍ચે ફરી ૬ મુહૂર્ત છે. ૧૦ જુલાઈએ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની ચાલુ સિઝન પૂરી થશે.

નોંધનીય છે કે, કોરોનાના બે વર્ષ પછી લગ્નસરાની ચાલુ સિઝનમાં ભવ્‍ય આયોજનો સાથે લગ્નોની ધૂમ જોવા મળી હતી. ખાસ કરીને ૧૫ એપ્રિલ બાદ ઉપરાઉપરી લગ્ન મુહૂર્તને પગલે ઠેરઠેર લગ્નની શહેનાઈઓ ગૂંજી હતી. એપ્રિલ માસમાં ૧૫થી રપ એપ્રિલ વચ્‍ચે ૮ મુહૂર્ત, મે માસમાં ૪થી ૨૭ મે વચ્‍ચે ૧૪ મુહૂર્ત અને જૂન માસમાં ૧થી ર૪ જૂન વચ્‍ચે ૯ લગ્ન મુહૂર્ત હોય શહેરમાં ઠેરઠેર આયોજનો સાથે લગ્નની શહેનાઈઓ ગૂંજી હતી. જોકે, હવે વરસાદી વાતાવરણ અને તેમાં પણ લગ્નસરાની ચાલુ સિઝનના અંતિમ દિવસો ચાલી રહ્યા હોય લગ્નની ઝાકમઝોળ ઘટી છે. હવે લગ્નસરાની ચાલુ સિઝનમાં માત્ર ૬ મુહૂર્ત જ બાકી રહ્યા છે. મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ, ૨૪ જૂન બાદ હવે સીધુ ૩ જુલાઇના રોજ લગ્નનું મુહૂર્ત આવે છે. ૩, ૪, પ, ૬, ૭ અને ૮ જુલાઈ એમ સળંગ ૬ દિવસ સુધી લગ્નના મુહૂત છે. જોકે, વરસાદી વાતાવરણ હોય મહદઅંશે જૂનના પ્રથમ પખવાડિયા સુધીમાં લગ્ન આયોજનો લેવામાં આવે છે. ત્‍યારબાદ વરસાદના વિઘ્‍નને કારણે વર-કન્‍યા પક્ષ દ્વારા પાર્ટી પ્‍લોટ અને ખુલ્લા પ્‍લોટ, મેદાનમાં લગ્ન આયોજનો કરવાનું ટાળવામાં આવે છે. ૧૦ જુલાઇના રોજ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની ચાલુ સિઝન પૂરી થઇ જશે. ત્‍યારબાદ ચાર મહિના સુધી લગ્નસરાને વિરામ મળશે. દિવાળી પછી નવેમ્‍બર માસમાં ફરીવાર લગ્નની ધૂમ જોવા મળશે.(૨૩.૨૩)

ગત બે વર્ષની સરખામણીએ છેલ્લા ત્રણ મહિનામાં લગ્નસરાની ધૂમ છવાઇ

કોરોના મહામારીને પગલે લગ્નસરાની પાછલી બે સિઝન ધોવાઇ ગઇ હતી. ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રી. કેટરિંગ ઇન્‍ડસ્‍ટ્રીને કરોડોનો ફટકો પડ્‍યો હતો. તે સામે છેલ્લા ત્રણ મહિનામાં લગ્નસરાની ધૂમ છવાઇ હોવાનો મત અપાઇ રહ્યો છે. લગ્ન આયોજનો અને ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ સાથે સંકળાયેલા એક આયોજકે જણાવ્‍યું હતુ કે, એપ્રિલથી જૂન માસ દરમિયાન કોરોના નિયંત્રણો સંપૂર્ણ દૂર થવાની સાથે જ લગ્ન આયોજનોની રોનક ફરી દેખાઇ હતી. પાછલા બે વર્ષમાં મર્યાદિત મહેમાનોની હાજરી, રાત્રી કરફય સહિતના નિયત્રણોને કારણે સંખ્‍યાબંધ આયોજનો અટવાઇ ગયા હતા. વર-કન્‍યા પક્ષે મર્યાદિત બજેટમાં લગ્નના આયોજન કર્યા હતા. તે સામે છેલ્લા ત્રણ મહિનામાં રોનક ફરી દેખાતા લગ્ન આયોજનો સાથે સંકળાયેલા ઉદ્યોગોને ઓક્‍સિજન મળી ગયું છે. આવનારી સિઝન માટે આગોતરી તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.

(4:43 pm IST)