ગુજરાત
News of Saturday, 29th June 2019

કરજણમાં પ્રાંતિય યુવાનની તિક્ષણ હથિયારના ધા ઝીંકી હત્યા

એક જ પ્રાંતના બે શખ્સો વચ્ચે ઝઘડાની અદાવતે ખેલાયેલો ખૂની ખેલ

વડોદરાના કરજણ ખાતે જૂના બજારમાં ભાડાના હોલમાં રહેતા એક પર પ્રાંતિય યુવાનની તિક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી હત્યા થતા ભારે ચકચાર મચી જવા પામી હતી. હત્યા સંદર્ભે સુધીરસિંહ બચ્ચુનસિંહે ચંદન રાધવ સહાની (રહે. બિહાર )  વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 પોલીસ સુત્રીય માહિતી અનુસાર હરકેશસિંહ રામબલીસિંહ મૂળ (રહે. બિહાર )ત્રણ માસ પહેલાં બિહારથી કરજણ નોકરી અર્થે આવ્યો હતો. જે કરજણ ખાતે આવેલી જિન્દાલ કંપનીમાં નોકરી કરતો હતો તથા હરકેશસિંહ ફરિયાદી સુધીરસિંહ બચ્ચુનસિંહ હાલ રહે. કરજણ મૂળ રહે. બરવાલીયા, સોનવાલ, પૂર્વ ચંપારણ (બિહાર) નાઓના ગામના સુજીત કુમાર સિંહ, જયપ્રકાશ યાદવ તથા અખિલેશ ભગવાનસિંહ સાથે કરજણ ખાતે આવેલી ગ્રીન કૃષ્ણા પાર્ક હોટલ પાસે આવેલા પિન્ટુ જૈનના કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે આવેલા હોલમાં ભાડેથી ભેગા રહેતા હતા.

 ગત તારીખ વીસમી જૂનના રોજ અખિલેશ ભગવાનસિંહે સુધીરસિંહ બચ્ચન સિંહને ફોન કરી જણાવ્યું હતું કે આપણા ગામના ચંદન રાધવ સહાનીને નોકરી કરવી છે જે બાબતે સુધિરસિંહે કંપનીના મેનેજરને વાત કહેતા મેનેજરે નોકરી માટે હા પાડતા ચંદન નોકરી માટે કરજણ આવ્યો હતો. બિહારથી નોકરી માટે કરજણ આવેલો ચંદન પણ તેઓના ગામના અન્ય મિત્રો સાથે ભાડાના હોલમાં રહેતો હતો.

 દરમિયાન ચંદન તથા હરકેશની વચ્ચે ગત સત્તાવીસ મી જૂનના રોજ રાત્રીના કોઇ કારણોસર ઝગડો થયો હતો. તે ઝઘડાની અદાવત રાખી ચંદન રાધવ સહાની રહે. બરવાલીયા, સોનવાલ, પૂર્વી ચંપારણ બિહાર નાએ હરકેશ પર કોઈ તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા કરજણ પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારાનું પગેરૂ મેળવવા ડોગ સ્કવોડની પણ મદદ લેવાઇ હતી. પરંતુ હજુ સુધી હત્યારાના કોઇ સગડ મળ્યા નથી ઘટનાની જાણ થતા વડોદરા ગ્રામ્ય એસ પી, વડોદરા જિલ્લા એસ ઓ જી, આર અાર સેલ તેમજ વડોદરા ગ્રામ્ય એલ સી બી, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એક જ પ્રાંતના બે શખ્સો વચ્ચે ઝઘડાની અદાવતે કરજણ ખાતે ખેલાયેલો ખૂની ખેલ કરજણ નગરમાં ટોક ઓફ ટાઉન બનવા પામ્યો છે.

(9:44 pm IST)