ગુજરાત
News of Saturday, 29th June 2019

શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા જારી રહ્યા

વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી : બોપલ, સરખેજ અને પાલડી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ : અમુક વિસ્તારોમાં વરસાદ ગાયબ

અમદાવાદ,તા.૨૯ : અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે અને દિવસ દરમ્યાન બોપલ, સરખેજ, પાલડી, સરસપુર, મેમનગર, ગુરૂકુળ, નારણપુરા, સોલા રોડ, થલતેજ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા નોધાયા હતા. આજે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ નોંધાયો હતો તો, વળી કેટલાક વિસ્તારોમાં મેઘરાજા જાણે બિલકુલ ગાયબ રહ્યા હતા, જેને લઇ નાગરિકોમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયું હતું. હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ અને સૂર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે સવારના સમયે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. શહેરના બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્રન્ટ, કોટ વિસ્તાર, સરસપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. તો અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં નોંધાયા હતા. વરસાદ પડયો તેવા વિસ્તારોમાં બાફ અને ઉકળાટમાંથી નાગરિકોને ઠંડક પ્રસરતાં કંઇક અંશે રાહત મળી હતી. પરંતુ શહેરના કેટલાક વિસ્તારો એવા પણ હતા કે, જયાં વરસાદ પડયો જ ન હતો અથવા તો, માત્ર ઝરમર, ઝરમર વરસ્યો હતો. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, તા.૨૫મી જૂન બાદ અમદાવાદ શહેરમાં સતત ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી હતી પરંતુ તે મુજબનો વરસાદ હજુ વરસ્યો નથી અલબત્ત, અમદાવાદ શહેરની સરખામણીએ વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં મેઘરાજાએ જોરદાર અને ધમાકેદાર બેટીંગ કરી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અમદાવાદની સરખામણીએ આજે રાજયના મધ્ય ગુજરાતમાં વડોદરામાં, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, નવસારી સહિતના પંથકોમાં અને સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, હજુ વરસાદી માહોલ અકબંધ રહેશે. આવતીકાલે લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ ફેરફાર થવાની શક્યાતા ઓછી દેખાઈ રહી છે. આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી રહ્યુ હતું.

વરસાદની સાથે સાથે...

         *     અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો

*    અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાયો જ્યારે અમુક વિસ્તારમાં વરસાદ ગાયબ

*    વરસાદના કારણે વાતાવરણમાં ઠડંક રહી

*    દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું

*    અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાનો દોર જારી રહે તેવી સંભાવના

*    અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૪.૮ અને લઘુત્તમ તાપમાન ૩૭ ડિગ્રી રહ્યુ

*    ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ થશે

(8:27 pm IST)