ગુજરાત
News of Saturday, 29th June 2019

નડિયાદમાં બંધ મકાનમાંથી તસ્કરોએ 43 હજારની મતાની ઉઠાંતરી કરી

નડિયાદ:સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ ચંદ્રકૃષ્ણ સોસાયટીમાં રહેતું વૃધ્ધ દંપતી વડોદરા ખાતે રહેતાં પુત્રના ઘરે રહેવા ગયું હતુ. તે દરમિયાન તેમના મકાનમાં અજાણ્યાં તસ્કરો ત્રાટકી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.૪૩,૫૦૦ ની ચોરી કરી ગયાં હતા. આ બાબતે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ લઈ અજાણ્યાં તસ્કર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ ચંદ્રકૃષ્ણ સોસાયટીમાં એ-૨ નંબરના મકાનમાં કાંતિભાઈ અંબાલાલ અધ્યારૂ (ઉં.વ ૭૩) પત્નિ દક્ષાબેન સાથે રહી નિવૃત્ત જીવન ગુજારે છે. ગત રવિવારના રોજ આ વૃધ્ધ દંપતી પોતાના મકાનને તાળુ મારી વડોદરા ખાતે તેમના પુત્રના ઘરે થોડા દિવસો માટે રહેવા ગયાં હતાં. દરમિયાન નડિયાદમાં આવેલ કાંતિભાઈના ઘરના દરવાજાનું લોક તૂટ્યું હોવાની જાણ ગતરોજ પાડોશી દ્વારા કરવામાં આવતાં તેઓ પત્નિ અને પુત્રને સાથે તાત્કાલિક નડિયાદ દોડી આવ્યાં હતાં. ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલ હાલતમાં હતું. ઘરમાં અંદર જઈ તપાસ કરતાં સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. તિજોરીના લોકરમાં મૂકેલ સોના-ચાંદીના ઘરેણાં કિંમત રૂ.૨૮,૫૦૦ તેમજ રોકડ રૂ,૧૫,૦૦૦ મળી કુલ રૂ.૪૩,૫૦૦ ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. 

 

(5:43 pm IST)