પાલનપુરની યુવતીને 50 લાખનું દહેજ માંગી સાસરિયાએ ઘરમાંથી કાઢી મુકતા પોલીસ ફરિયાદ
પાલનપુર:ની એક યુવતીને તેના સાસરિયાઓએ પિયરમાંથી રૂ.50 લાખ રોકડ રકમ અને પેટ્રોલ પંપ દહેજ પેટે લાવી આપવાની માંગણી કરીને તેને પહેર્યે કપડે સાસરીમાંથી તગેડી મૂકવામાં આવતા યુવતિ દ્વારા તેના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં દહેજ મામલે તેના સાસરિયાઓ દ્વારા તેને અવાર નવાર મારઝૂડ કરીને શારિરીક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો તેમજ લગ્ન વખતે રૂ.70 લાખના સોનાના દાગીના અને કરીયાવર લઈને તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હોવાની ફરિયાદ કરાઈ છે. પાલનપુરના મોટી બજાર વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાં રહેતા કિરીટ અગ્રવાલની 25 વર્ષીય દિકરી વર્ષાબેન અગ્રવાલના લગ્ન બે વર્ષ પહેલા ડીસા ખાતે રહેતા કેયુર મનુભાઈ અગ્રવાલ સાથે કરવામાં આવ્યા હતા. જે બાદ તેમનો લગ્ન સંસાર થોડાક સમય સુધી સારો ચાલ્યો બાદમાં સાસરીયાઓ દ્વારા પરણીતા વર્ષાબેનને પિયરમાંથી દહેજ લાવી આપવા માટે અવાર નવાર મારઝૂડ કરી તેમજ બિભત્સ ગાળો અને મહેણા ટોણા મારીને શારિરીક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.