ગુજરાત
News of Saturday, 29th June 2019

અમદાવાદમાં અર્બુદા જ્વેલર્સના માલિકને આંખમાં મરચાની ભૂકી છાંટીને ૨૨ કિલો ચાંદીની લૂંટ કરનાર આરોપી ઇશ્વર સરગરાની ધરપકડ

અમદાવાદ: શહેરના નારોલ પોલીસે લૂંટના ગુનામાં એક આરોપીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. થોડા મહિના અગાઉ નારોલ વિસ્તારના અર્બુદા જ્વેલર્સના માલિકને આંખમાં મરચાની ભૂકી નાખી 22 કિલો ચાંદીની લૂંટ ચલાવાઇ હતી. જેને પગલે પોલીસે આરોપી ઈશ્વર સરગરાની ધરપકડ કરી છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, નારોલ આ લૂંટમાં તેની સાથે અન્ય બે સાગરીતો પણ સંડોવાયેલા છે જે હાલ પોલીસ મથકની બહાર છે. ઉલ્લેખનીય છે કે, લૂંટ કરતી ટોળકીના 12 થી 15 સાગરિતો છે. જેમાં ઈશ્વર સાથે અનેક ગુનામાં અંજામ આપી ચૂકેલા સાગરીતોને વાપી એલસીબીએ ઝડપી પાડયા હતા.

વાપી એલસીબીએ ઝડપેલા આરોપીઓમાં ઈશ્વર પણ સામેલ હતો. અને ઈશ્વર પણ લૂંટ સહિત અનેક ગુનાઓમાં પકડાઇ ચુકેલો છે. આરોપી ઈશ્વરની પૂછપરછ દરમિયાન ખુલ્યું હતું કે, માત્ર અમદાવાદ જ નહીં લૂંટારું ટોળકી રાજયમાં અનેક જગ્યાઓએ લૂંટને અંજામ આપી ચૂકી છે. ત્યારે હાલ તો નારોલ પોલીસે ઈશ્વરની વધુ પૂછપરછ શરૂ કરી અન્ય બે આરોપીઓ કોણ હતા અને આ લૂંટમાં કઈ રીતે સંડોવાયેલા હતા. તે બાબતની પૂછપરછ શરૂ કરી ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(4:41 pm IST)