ગુજરાત
News of Saturday, 29th June 2019

અમદાવાદની રથયાત્રા માટે અભુતપૂર્વ સુરક્ષાચક્ર

બોંબની ધમકીના ત્રણેય 'કોલ્સ' ભલે ખોટા નિકળ્યા તંત્ર કોઇ જોખમ લેવા માંગતું નથીઃ ખાનગી કું. પાસેથી વધારાના ડ્રોન કેમેરા મેળવાયા : મંદિર પરિસરમાં પણ બોંબ સ્કવોડ અને અર્ધલશ્કરી દળો રથયાત્રા સુધી ખડેપગે :રથયાત્રા માટે આસામથી હાથીઓ : મોકલવાનો નિર્ણય હાલ તૂર્ત પેન્ડીંગ : ગુજરાતભરમાંથી ચુનંદા અધિકારીઓનું આગમનઃ રથયાત્રા ફરતે ૮ પાવરફુલ કેમેરાઃ ક્રાઇમ બ્રાંચ મોખરે રહેશે

રાજકોટ, તા., ૨૯: પોલીસ બંદોબસ્તની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા બંદોબસ્તવાળી ઐતિહાસિક રથયાત્રા અગાઉ ધમકીભર્યા બબ્બે ફોન આવ્યા, આ ફોન કોલની હકિકત ખોટી સાબીત થવા છતા તંત્ર કોઇ જોખમ લેવા ન માંગતું હોય તેમ રથયાત્રાના બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહયા છે.

મંદિરમાં બોંબ મુકવાની ધમકી સંદર્ભે મંદિરમાં પણ તમામ જગ્યાએ બોંબ સ્કવોડથી માંડી અર્ધ લશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે અખાડાના સંચાલકોને પણ તીક્ષ્ણ હથીયારો સાથે ન રાખવા તાકીદ કરવા સાથે તે ટ્રકમાં નિયત કરાયેલ સંખ્યા અને જેમની ઓળખ થઇ છે તેમના સિવાય કોઇને ન બેસાડવા ખાસ તાકીદ કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે લોકોને કોઇ જાતનો ભય ન રાખવા અને પોલીસે તમામ તૈયારી પુર્ણ કરવા સાથે તકેદારી રાખી હોવાનું જણાવ્યું છે.

દરમિયાન ભગવાન  જગન્નાથજીની રથયાત્રા માટે આસામથી હાથીઓ મોકલવાનો જે નિર્ણય કરાયો હતો તે નિર્ણય આસામના ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે હાલ પુરતો સ્થગીત રાખ્યો છે. પશ્ચિમ ભારતમાં ખુબ જ ગરમી હોવાથી આસામથી હાથીઓ ન મોકલવાની જીવદયા પ્રેમીઓની ગોહાટી હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશન સંદર્ભે આ નિર્ણય કરાયો છે.

૪ થી જુલાઇએ નિકળનારી ભગવાનજીની ૧૪ર રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળભદ્રજી રજવાડી વેષમાં ભકતોને દર્શન આપશે. રથયાત્રામાં મગનો પ્રસાદ વેચાતો હોય જે માટે રપ હજાર કિલોગ્રામથી વધુ મગનો પ્રસાદ વહેચવામાં આવશે.

અત્રે યાદ રહે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફથી વર્ષો થયા જગન્નાથ મંદિરમાં મગ પ્રસાદમાં પોતાનો હિસ્સો આપવામાં આવે છે. જે આ વખતે પણ યથાવત હોવાનું સુત્રો જણાવે છે.

રથયાત્રા માટે રપ હજાર જેટલા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. જેમાં ખાનગી કંપની પાસેથી પણ ડ્રોન કેમેરા મેળવવામાં આવ્યા છે. રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા અને પોલીસ કમિશ્નર એ.કે.સિંઘના માર્ગદર્શનમાં જેનું સુપરવિઝન થવાનું છે તેવી આ રથયાત્રામાં ૧૧ર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરીંગ થશે. રથયાત્રામાં બંદોબસ્ત માટે ગુજરાતભરમાંથી પોલીસ અધિકારીઓને અમદાવાદ બોલાવવામાં આવેલા. જેઓએ ગઇકાલે જ પોતાની હાજરીનું રીપોર્ટીગ સંબંધક અધિકારીઓ સમક્ષ કરી દીધું છે. ૩ રથ આસપાસ ૮ જેટલા કેમેરાઓ ફરતા રહેશે. રથયાત્રાની મોખરે ક્રાઇમ બ્રાન્ચનો મુવીંગ બંદોબસ્ત રહેશે.

(4:16 pm IST)