ગુજરાત
News of Saturday, 29th June 2019

રાજય સહકારી બેંક પ્રીપેઇડ કાર્ડ-વોલેટ બનાવશે : કૃષિ મંડળીઓ માટેની સમાધાન યોજના ૧ વર્ષ માટે લંબાવાઇ

તમામ સહકારી બેંકો સભાસદોને કાર્ડ આપી શકશે : અજય પટેલની જાહેરાત : રાજય સરકારી બેંકની ડીપોઝીટ ૧૦ વર્ષમાં ૧૮૦૦ કરોડથી વધીને ૬પ૦૦ કરોડ : શંકર ચૌધરી

અમદાવાદ, તા. ર૯ : ગુજરાત રાજય સહકારી બેંક દ્વારા ગુજરાતની ૧૮ જિલ્લા સહકારી બેન્કો અને ૮ર૦૦ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ માટેની વન ટાઇમ સેટલમેન્ટ યોજનાને આગામી ઓગસ્ટ ર૦ર૦ સુધી લંબાવી આપવાનો નિર્ણય કર્યો છે. જુના મુદત વીતિ થઇ યેલા કૃષિ ધિરાણના ખાતાઓમાં થયેલી એનપીએના સેટલમેન્ટ કરવા માટે આ યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજના છેલ્લા પાંચકે વર્ષથી અમલમાં આવેલી છે. આ સાથે જ નાના અને સીમાંત ખેડૂતોને તેમના બાકી લેણા ચૂકવી દેવા માટે વધુ સવા વર્ષનો સમય મળ્યો છે. આ યોજનાનો લાખો નાના ને સીમાંત ખેડૂતોને પણ લાભ લઇ શકશે.

ગઇકાલે અહીં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કની વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન અજય પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે અમારી બેન્ક પ્રીપેઇડકાર્ડ અને ડિજિટલ વોલેટ પણ લોન્ચ કરી રહી છે. આ પ્રીપેઇડ કાર્ડ અને વોલેટ બનાવનારી ભારતની પ્રથમ સહકારી બેન્ક છે. બેન્કોના ખાતેદાર ન હોય તેવી વ્યકિત પણ ઉપયોગ કરી શકશે. માત્ર રૂ. ૧૦૦ ચૂકવીને તથા મોબાઇલ નંબર અને નામ આપીને વ્યકિત પ્રીપેઇડ કાર્ડ મેળવી શકશે. ગુજરાતની તમામ જિલ્લા સહકારી બેન્કો અને અર્બન કો-ઓપરેટીવ બેન્કો જીએસસીબી સાથે જોડાઇને તેમના પોતાના ખાતેદારોને પણ આપી શકશે.

વાઇસ ચેરમેન શંકરભાઇ ચૌધરીએ ચેરમેન અજય પટેલની સરાહના કરતા જણાવ્યું હતું કે તેમના દસ વર્ષના વહીવટ કાળમાં બેન્કની ડિપોઝીટ રૂ.૧૮૦૦ કરોડથી વધીને રૂ. ૬પ૦૦ કરોડને આંબી ગઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી બેન્ક રૂ. ૧૦૦ કરોડથી વધુ રકમનો નફો કરતી આવી છે. તેમણે કહ્યું હતું કે માધુપુરા બેન્ક પડી ભાંગતા સહકારી ક્ષેત્રમાંથી વિશ્વાસ ઉઠી જતા ૧૮ જિલ્લા બેન્કમાંથી પ જિલ્લા બેન્કો નબળી પડી ગઇ હતી. તેમને માથે રૂ. ૬૦૦ કરોડનું દેવું થઇ ગયું હતું. આ બેન્કોની સ્થિતિ સુધારવામાં સફળતા મળી છે તેમનું દેવું નાબૂદ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક ગુજરાતમાં સરદાર સરોવર નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીની નિકટના પરિસરમાં એક અને અંબાજી યાત્રાધામ ખાતે એક મળીને બે તાલીમ કેન્દ્રો વિકસાવશે તેમાં હોલી ડે હોમની માફક અત્યાધુનિક સુવિધા પણ ઉભી કરવામાં આવશે. તેમાં ગુજરાતના અનેક દેશના સહકાર ક્ષેત્રના લોકોને તાલીમ આપવામાં આવશે. સરદાર જયંતિને દિવસે સરદાર સરોવર ખાતેના પ્રોજેકટનું ખાતમુર્હુત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રમાં તાલીમ લેવા આવનારાઓના રહેવાની અને જમવાની સુવિધા પણ કરી આપવામાં આવશે.

ખેતી કરવામાં ખેડૂતોને માર્ગદર્શન આપીને તેમની આવક ર૦રર સુધીમાં બમણી કરવા માટે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક દરેક જિલ્લા સહકારી બેન્કોને મોબાઇલ વાન લેવા માટે રૂ. ર૦ લાખની સહાય આપશે.

વાર્ષિક સામાન્ય સભામાં સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ જયેશ રાદડીયા, દિલીપ સંઘાણી, નરહરી અમીન, ઘનશ્યામભાઇ અમીન વ્ગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(1:11 pm IST)