ગુજરાત
News of Saturday, 29th June 2019

ખાળકૂવામાં પડી જવાથી બે સગા ભાઇઓના મોત થયા

ઘર પાસે રમતા બંને બાળકો ખાળકૂવામાં પડ્યાઃ વરસાદના પાણીથી ખાળકૂવો ભરાઈ ગયો હતો : બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી

અમદાવાદ, તા.૨૮: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામમાં ખુલ્લા ખાળકૂવામાં પડી જતાં બે સગા ભાઇઓના મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મૃત્યુ પામેલા બંને ભાઇઓની ઉમંર સાત વર્ષ અને ત્રણ વર્ષ હોવાના કારણે આ સમાચાર જાણી સૌકોઇમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. કદવાલ ચોકડી ખાતે રહેતા એક જ પરિવારના બે બાળકોના મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામમાં બે ભાઇઓ હરેશ રણજીતભાઈ બારીયા(ઉ.વ. ૭) અને પરેશભાઈ રણજીતભાઈ બારીયા(ઉ.વ. ૩) ઘર પાસે રમી રહ્યા હતા. તે સમયે ઘર પાસેના શૌચાલયના ખુલ્લા ખાળકૂવામાં પડી ગયા હતા. બંને બાળકો ઘરમાં નહી મળતા પરિવારજનોએ બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ કરતા બંને બાળકો ખાળકૂવામાં પડી ગયા હોવાની પરિવારજનોને ખબર પડી હતી. જેથી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર પથંકમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો અને પરિવાર પર તો બે માસૂમ ફુલ જેવા સગા ભાઇઓ મોતને ભેટતાં જાણે આભ તૂટી પડયું હતું.

(9:31 pm IST)