ગુજરાત
News of Saturday, 29th June 2019

મ્યુનિ શાળામાં ૧૪,૫૭૬ વિધાર્થીઓએ પ્રવેશ લીધો

ખાનગી શાળાઓના વળતા પાણી થઇ રહ્યા છે : ધોરણ-૧થી ૮માં મ્યુનિસિપલ શાળામાં એક રૂપિયો પણ ફી પેટે લેવાતો નથી : મ્યુનિ. સ્કૂલોમાં ઘણી સુવિધા વધી

અમદાવાદ, તા.૨૮ : આજના મોંઘા શિક્ષણ અને મસમોટી તેમ જ તોતીંગ ફીના કારણે વાલીઓ હવે કંટાળ્યા છે. ખાસ કરીને શાળા સંચાલકોની દાદાગીરી અને ફીમાં ઉઘાડેછોગ લૂંટ ચલાવવાની નીતિને લઇ વાલીઓ હવે મ્યુનિસિપલ સ્કૂલો તરફ ફંટાયા છે. જેના કારણે હવે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે હરીફાઈ શરૂ થઇ હોય તેવું વાતાવરણ ઉભુ થયું છે. ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હજારો વિદ્યાર્થીઓએ એલસી લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મ્યુનિસપલ સ્કૂલ બોર્ડની સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. ચાલુ વર્ષે શહેરની મ્યુનિ. શાળાઓમાં ૧૪,૫૭૬ વિદ્યાર્થીઓએ પ્રવશે મેળવ્યો છે. જયારે ૫૦થી વધુ સ્કૂલોમાં એડમિશન માટે વેઇટીંગ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં ૨૦ હજાર જેટલા બાળકો મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ લેશે તેવું મ્યુનિસિપલ શાળાના શાસનાધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. જો કે, મ્યુનિસિપલ શાળામાં શિક્ષણનું સ્તર સુધરવાની સાથે આધુનિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી સહિતની અદ્યતન સુવિધા અને આર્થિક બોજ વિનાનું ભણતરનો અભિગમ વાલીઓ અને વિદ્યાર્થીઓને મ્યુનિસિપલ સ્કૂલ તરફ આકર્ષવામાં સફળ થયા છે. ખાનગી શાળાઓમાં અશિક્ષિત શિક્ષકો, વધતી ફી, વાલીઓને થતી પરેશાની, અસુવિધાઓ અને તેઓની દાદાગીરીને લઇ હવે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યાં છે. મ્યુનિસિપલ સ્કૂલમાં છેલ્લા બે વર્ષમાં તાલીમબધ્ધ શિક્ષકો અને શિક્ષણનું સ્તર સુધરતા હવે મ્યુનિ.શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે ખાનગી શાળાઓમાંથી ૩૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળામાં કુલ ૧૪૫૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯ સુધીના સમયગાળા દરમ્યાન ખાનગી શાળામાં ૨૧૦૪૨ વિધાર્થીઓ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવી ચૂકયા છે. જેમાં ૧૧,૨૧૭ વિદ્યાર્થી તથા ૯,૮૨૫ વિદ્યાર્થિનીઓ છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં તા.૧૦ જુન થી ૨૫ જુન સુધી ખાનગી શાળાના ત્રણ હજાર વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ શાળામાં એડમીશન લીધા છે. ધો.૧માં ૧૭, ધો.૨માં ૪૯૦ ધો.૩ માં.૫૩૬, ધો.૪ માં ૫૫૪, ધો. ૫માં ૫૩૬, ધો.૬ માં ૪૭૦, ધો.૭માં ૩૮૮ તથા ધો.૮ માં ૧૯૩ વિદ્યાર્થીઓ ખાનગીશાળામાંથી મ્યુનિ.શાળામાં ભણવા માટે આવ્યા છે.  મ્યુનિસિપલ શાળામાં વિવિધ યોજનાના લાભ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યા છે. તદ્દઉપરાંત મ્યુનિસિપલ શાળાઓમાં વધી રહેલી સુવિધાઓ આધુનિક પ્રયોગશાળા,કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, રમત ગમતના પુરતા મેદાન, ૬૦ નવા બિલ્ડીંગ તથા ખાનગી શાળાની તોતીંગ ફી ના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ શાળાઓ તરફ વળ્યાં છે. ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી અત્યાધુનિક સ્કૂલો બનવાઈ છે. શાળામાં વાલીઓની કમિટી પણ બનાવવામાં આવી છે. વાલીઓનો અભિગમ બદલાયો છે. જેથી તેઓ હવે સરકારી સ્કૂલ પર વિશ્વાસ મૂકી રહ્યા છે. જે બહુ સારી વાત કહી શકાય.

કેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી

અમદાવાદ, તા. ૨૮ : જુદા જુદા વર્ષમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓને છોડી છે. આંકડા નીચે મુજબ છે.

વર્ષ............................................................. સંખ્યા

૨૦૧૪-૧૫.................................................. ૩૬૨૦

૨૦૧૫-૧૬.................................................. ૪૪૯૮

૨૦૧૬-૧૭.................................................. ૪૯૪૬

૨૦૧૭-૧૮.................................................. ૪૬૮૭

૨૦૧૮-૧૯.................................................. ૩૨૯૧

(7:29 pm IST)