ગુજરાત
News of Friday, 29th June 2018

આશ્રમરોડની ટ્રાવેલ્સ એજન્સી સાથે ૩.૪૯ લાખની છેતરપિંડી

યુવકે હોટલ-એર ટિકિટનું બુકીંગ કરી ચુનો લગાવ્યો : નવરંગપુરાના પોલીસ મથકમાં રાજકોટના યુવકની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ : ઠગાઈના મામલે પોલીસ તપાસ

અમદાવાદ,તા.૨૯ : રાજકોટના એક યુવકે અમદાવાદ શહેરના આશ્રમરોડ પર આવેલી એક ટ્રાવેલ્સ એજન્સીને રૂ.૩.૪૯ લાખનો ચુનો લગાડયો છે. અલગ-અલગ શહેરમાં જવાનું હોવાનું કહી યુવકે હોટલ અને એર ટિકિટ બુક કરાવી રૂ.૩.૪૯  લાખની રકમ ટ્રાવેલ્સ એજન્સીને નહી ચૂકવતાં આખરે ટ્રાવેલ્સ એજન્સી તરફથી રાજકોટના યુવક વિરૂધ્ધ શહેરના નવરંગપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નવા વાડજની ભુનેશ્વરપાર્ક સોસાયટીમાં રહેતાં બીજલબહેન શાહ આશ્રમરોડ પર જાદવ ચેમ્બર્સમાં પ્લાનેટ નામની ટ્રાવેલ એજન્સીના નામે હોટલ એર ટિકિટ બુકિંગ અને વિઝાનું કામકાજ કરે છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં ગૌરવ પટેલ ઉર્ફે ગૌરાંગ વોરા (રહે. રાજલક્ષ્મી સોસાયટી, મોરબી રોડ,રાજકોટ)નામના યુવકે એજન્સીનો સંપર્ક કર્યો હતો. પોતે શ્રીજી પ્રોડક્શનના નામે ફિલ્મ પ્રોડક્શન અને ફેશન ડિઝાઇનિંગનું કામકાજ કરે છે જેથી અવારનવાર અલગ અલગ શહેરમાં જવાનું હોવાનું કહી હોટલ અને એર ટિકિટ બુકિંગ કરવાની વાત કરી હતી. પેમેન્ટ બાબતે વિશ્વાસમાં લઇ તા.૨૦ ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી ત્રણ લોકોના નામે અલગ અલગ શહેરની હોટલ અને એર ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું. આ બુકિંગના પૈસા ટ્રાવેલ એજન્સીએ ચૂકવી દીધા હતા. હોટલ અને એર ટિકિટના ચાર્જનું બિલ રૂ.૩.૪૯ લાખ ગૌરવભાઈને એજન્સીએ મોકલી આપતાં તેમણે બેન્કના ચેકની નકલ વોટ્સએપ મારફતે મોકલી અને ચેક જમા થઇ જશે તેમ જણાવ્યું હતું. બેન્કમાં ચેક જમા થયો ન હોઈ આંગડિયાથી રૂ૩.૪૯ લાખ મોકલી આપશે તેમ જણાવ્યું હતું. અત્યાર સુધી વારંવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં ગૌરવભાઈએ રૂપિયા ન આપી વાયદા કરતા બીજલબહેને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગૌરવ પટેલ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે આ ફરિયાદના આધારે રાજકોટના ગૌરવ પટેલ નામના યુવક સામે તપાસ હાથ ધરી છે.

(8:23 pm IST)