ગુજરાત
News of Friday, 29th June 2018

ડાંગ અને વલસાડ જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજનામાં ભ્રષ્‍ટાચારઃ અેનજીઓની સંચાલિકા ભાવેશ્રીની ધરપકડઃ કલેકટર સામે ભ્રષ્‍ટાચારના આક્ષેપો કરતી ભાવેશ્રી

વલસાડઃ ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં વડાપ્રધાન આવાસ યોજનામાં ગેરરીતિ થયાના આક્ષેપો બાદ અેનજીઓની સંચાલિકા ભાવેશ્રીની ધરપકડ કરાતા તેમણે કલેકટર સામે ભ્રષ્‍ટાચારના આક્ષેપો કર્યા છે.

ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં વડાપ્રધાન આવાસ યોજનામાં ભ્રષ્‍ટાચારની ફરિયાદ હતી. જેના પગલે આ જિલ્લાઓમાં એનજીઓના ભ્રષ્ટાચાર મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી. એવું લાગે છે કે સરકારી યોજનાઓમાં કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આ દરમિયાન પોલીસે તપાસમાં સહકાર ન આપતી એક એનજીઓ સંચાલિકાની ધરપકડ પણ કરી છે. પોલીસે તેના ઘરેથી મહત્વના દસ્તાવેજો પણ મેળવ્યાં છે.

મળતી માહિતી મુજબ વડાપ્રધાન આવાસ યોજનામાં જોડાયેલી NGO પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવામાં આવ્યો છે . એવું કહેવાય છે કે NGO પાસે આવાસ યોજનાનું કામ હતું. આ મામલે પોલીસે NGOની એક મહિલા ભાવેશ્રીની ધરપકડ કરી. ધરપકડ થતા જ ડાંગના કલેક્ટર પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયા હોવાનો આક્ષેપ ભાવેશ્રીએ કર્યો છે. રાજ્યના ACS હોમ ઉપર પણ ચોંકાવનારા આરોપ લગાવામાં આવ્યા છે.

એનજીઓમાં કામ કરતી અને હાલ ધરપકડ કરાયેલી ભાવેશ્રીએ આક્ષેપ કરતા કહ્યું કે 'ACS હોમ પણ ભ્રષ્ટાચારમાં સામેલ છે અને મારી પાસે કૌભાંડના પુરાવા છે. અમે પૈસા આપવાનું બંધ કરતા અમને ફસાવામાં આવ્યા છે. ભાવેશ્રીએ કહ્યું કે 'મને ખોટી રીતે ફસાવામાં આવી છે. મને જબરદસ્તી લાવ્યા છે.' આ મામલે પોલીસે વધુ તપાસ કરવા પોતાની ચક્રો ગતિમાન કર્યા છે.

આ બાજુ જેમના પર તેમણે આક્ષેપ કર્યાં છે તે ડાંગના કલેક્ટર બી કે કુમારે કહ્યું કે યોજનાની કોઈ ગ્રાન્ટ તેમને ફાળવવામાં આવી નથી. ભ્રષ્ટાચાર કે કૌભાંડ થવાનો કોઈ પ્રશ્ન નથી. મહિલાએ તેમના પર કરેલા આક્ષેપ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે કોઈ ગ્રાન્ટ જ નથી ફાળવી તો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય.

અત્રે જણાવવાનું કે મહિલા જે એનજીઓમાં કામ કરતી હતી તેની પાસે વડાપ્રધાન આવાસ યોજનાનું કામ હતું. યોજનામાં જોડાયેલી આ એનજીઓ પર પોલીસતપાસની ગાજ પડી છે. આ એનજીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ છે. મુખ્ય સંચાલક અંકિત મહેતાની અટકાયત કરવાના પણ ચક્રો ગતિમાન થઈ રહ્યાં છે. ડાંગ અને વલસાડ પોલીસના નવસારીમાં પણ ધામા હતાં. નવસારીના તીઘરા નજીક ક્રિસ્ટલ લક્ઝરીયામાં તપાસ હાથ ધરી હતી. નવસારી પોલીસને સાથે રાખીને એનજીઓ સંચાલક અંકિત મહેતાના ઘરે તપાસ હાથ ધરી. ડાંગ જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજનામાં ગોબાચારીની ફરિયાદ હતી.

 

 

(6:44 pm IST)