ગુજરાત
News of Friday, 29th June 2018

આણંદ તાલુકાના વલાસણના વેપારીનું એફબી એકાઉંટ હેક કરી ચારિત્ર્ય અંગે અભદ્ર ટિપ્પણી થતા ફરિયાદ

આણંદ: તાલુકાના વલાસણ ગામે રહેતા અને વિદ્યાનગરમાં વેપાર કરી જીવન ગુજરાન ચલાવતા એક વેપારીનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમના અનૈતિક સંબંધો તેમજ પત્નીના ચારિત્ર્ય અંગે પણ અભદ્ર ટીપ્પણીઓ કરવામાં આવતાં આ અંગે વિદ્યાનગર પોલીસે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરીને સાયબર ક્રાઈમ મારફતે તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર વલાસણના ૫૦ વર્ષીય વેપારીએ પોતાના નામથી ચાર વર્ષ પહેલા ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતુ. દરમ્યાન ગત ૨૧મી તારીખના રોજ સવારના સુમારે તેમના કેનેડા ખાતે રહેતા પુત્રએ ફોન કરીને તેમને જાણ કરી હતી કે, તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર એક મહિલા સાથેના તમારા અનૈતિક સંબંધો તેમજ મમ્મીના ચારિત્ર્ય અંગે અશ્લિલ ટીપ્પણીઓ કરવામાં આવી છે જેથી તેમણે પોતાના મોબાઈલમાં તપાસ કરતાં કોઈએ તેમનું એકાઉન્ટ હેક કરીને બે સંદેશાઓ મુક્યા હતા. 
જેમાં એક સદેશામાં માફી માંગવાની વાત કરવામાં આવી છે જ્યારે બીજા સંદેશામાં સમાજની માંફી માંગીને બાવીસ ગામ સમાજની મીટીંગમાં હુ દખલબાજી નહીં કરુ અને જે મહિલા સાથે અનૈતિક સંબંધો છે તેનો સ્વીકાર કરીને માફી માંગવામાં આવી છે. આ સંદેશા વાંચીને અવાક થઈ ગયેલા વેપારી તુરંત જ મિત્ર સાથે વિદ્યાનગર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

(5:46 pm IST)