ગુજરાત
News of Friday, 29th June 2018

ઇનકમ ટેકસ ચોરીના ૧૧ કેસોમાં આરોપીને બે-બે વર્ષની કેદ

કરચોરી બહાર આવ્યા બાદ છ ફોજદારી અને છ ઇનકમ ટેકસના કાયદા અનુસાર કેસ કર્યા હતા : ઇનકમ ટેકસના દરોડામાં ૧૪૫ બોગસ ખાતા મળી આવ્યા હતા અને ૧૯૮૬થી ૧૯૯૭ સુધી રૂ. ૧ કરોડથી વધુ કરચોરી કરી હતી

અમદાવાદ તા. ૨૯ : વર્ષ ૧૯૮૭થી ૧૯૯૭ સુધી રૂ. ૧ કરોડથી વધુ રકમની કરચોરી કરી ટેકસ નહીં ભરનાર આરોપી ઇન્દ્રવદન દરબાર સામે ૧૨ કેસ કરવામાં આવ્યા હતા. જેમાં છ ફોજદારી અને છ ઇનકમ ટેકસની કલમ હેઠળના કેસો નોંધાયા હતા. આ પૈકી ૧૧ કેસોમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે.જે. દરજીએ આરોપીને ગુનેગાર ઠેરવી બે વર્ષ કેદની સજા ફટકારી છે. જયારે એક કેસમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યો છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ગુનો પુરવાર થાય છે ત્યારે આવા કેસમાં તેની સામે દયા ન દાખવી શકાય.

ઇનકમ ટેકસ વિભાગના અધિકારી એફ.એસ. સાદીકોટે ૫ જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ ઇન્દ્રવદન વી. દરબારના ત્યાં જડતી કરી હતી. જેમાં જુદા જુદા ૧૪૫ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. જેમાં ૬૩ ખાતા ઇન્દ્રવદનના ન હતા પરંતુ તમામ ખાતાનો વહીવટ ઇન્દ્રવદન કરતો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ૧૦ ડિસેમ્બર ૧૯૯૮ના રોજ ઇન્દ્રવદને ૧૯૮૬-૮૭ના વર્ષનું રિટર્ન રજૂ કર્યું હતું. જેમાં કરપાત્ર રકમ રૂ. ૩૮૦ દર્શાવી હતી. આ મામલે ઇનકમ ટેકસ વિભાગે વર્ષ ૧૯૮૬થી ૧૯૯૭ના રિટર્નની તપાસ શરૂ કરી હતી. જેમાં જુદા જુદા વર્ષે ૨.૯૩ લાખની કરપાત્ર આવક હોવાનું બહાર આવ્યું હતું. આમ આરોપીએ ૧૧ વર્ષમાં ૧.૧૫ કરોડની કરચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે જુદા જુદા કેસ ઇનકમ ટેકસ વિભાગે કર્યા હતા. આ મામલે આરોપીને શો કોઝ નોટિસ આપતા તેણે ખોટા પુરાવા ઊભા કરી તેનો જવાબ રજૂ કર્યો હતો. જેથી ઇનકમ ટેકસ વિભાગે વધુ છ કેસ ફોજદારી કોર્ટમાં કર્યા હતા.ઙ્ગ

આમ કુલ ૧૨ કેસોમાં ઇનકમ ટેકસ તરફે સ્પેશિયલ એડવોકેટ જે.સી. યાજ્ઞિક અને અશ્વિન ઠાકોરે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા પુરાવા છે, આરોપીએ ૧.૧૫ કરોડ જેટલી માતબર રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે, આરોપી સામે સાક્ષીઓની જુબાની છે અને દસ્તાવેજી પુરાવા આધારે તમામ કેસ સાબિત થાય છે. આવા કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે કરચોરો પર લગામ લગાવી શકાય અને આવા કેસો બનતા પણ અટકાવી શકાય તે હેતુને ધ્યાનમાં રાખી આરોપીને પૂરેપૂરી સજા થવી જોઇએ.

(10:08 am IST)