ગુજરાત
News of Friday, 29th June 2018

અમદાવાદ રેલવે સ્ટેશનમાં એસ્કેલેટર મેઇન્ટેનન્સના અભાવે બંધ:મુસાફરોને હાલાકી

સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશને સુવિધા ઝુંટવાતાં મુસાફરોને લગેજ લઇને એકથી બીજા પ્લેટફોર્મ પરજવામાં મુશ્કેલી

 

અમદાવાદ, રેલવે સ્ટેશન પર એકથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે મુકાયેલ  એસ્કેલેટર મેઇન્ટેનન્સના અભાવે બંધ કરતા હજારો  મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોમાં એવી બૂમ ઉઠી છે કે રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ એસ્કેલેટર વારંવાર ખોટકાઇ જાય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રતિદિન 1.40 લાખ મુસાફરોની અવરજવર છે.સૌથી વધુ વ્યસ્ત રહેતા અમદાવાદ રેલવે સ્ટેશન પર યાત્રીઓની સુવિધા માટે બહારની બાજુએ એસ્કેલેટર મુકવામાં આવ્યુ છે જેથી મુસાફરો સરળતાથી એકથી બીજા પ્લેટફોર્મ પર જઇ શકે, પરંતુ આ એસ્કેલેટર દિવસ દરમિયાન બંધ રહેતા મુસાફરો પોતાના લગેજ લઇને એકથી બીજા પ્લેટફોર્મ પર જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  

  મુસાફરો જણાવી રહ્યા છે કે હાલમાં એક જ એસ્કેલેટરની સુવિધા હોવાથી તે વારંવાર બંધ થઇ જાય છે ત્યારે વિકલ્પમાં અન્ય કોઇ વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલી સર્જાય છે. જો રેલવેતંત્ર બીજા એસ્કેલેટરની સુવિધા ઉભી કરે તો યાત્રીઓને રાહત થાય તેમ છે.

(11:45 pm IST)