ગુજરાત
News of Sunday, 29th May 2022

નર્મદાના માંડણ ગામે કરજણ નદીમાં હોડકું ઊંધું વળી જતા ભરૂચ જિલ્લાના એક જ પરિવારના 5 લોકો ડૂબ્યા

મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો: અન્ય ચાર લોકોની શોધખોળ: આ પરિવાર એક હોડકું લઈને જાતે જ પાણીમાં સહેલ કરવા ગયા હતા

નર્મદા જિલ્લાના માંડણ ગામે કરજણ નદીમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબી ગયાં છે. ઘટનાની જાણ છતાં જ રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડૂબી ગયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્ય ચાર લોકોની શોધખોળ રાત સુધી કરવામાં આવી હતી પણ તેમનો પતો લાગ્યો નથી. હવે આવતી કાલે સવારે તેમની શોધખોળ કરવામાં આવશે. રવિવાર હોવાથી ભરૂચ જિલ્લાનો આ પરિવાર માંડણના નદી કિનારે ફરવા આવ્યો હતો.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમના ઉપરવાસમાં કરજણ નદીમાં ભરાતા પાણીમાં બોટિંગ કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માંડણ ગામે ફરવા આવતા હોય છે. આવો જ એક પરિવાર ભરૂચ જિલ્લામાંથી અહીં ફરવા આવ્યો હતો. અહીં લોકો હોડકામાં બેસીને પાણીમાં સહેલ કરવાની મજા માળતા હોય છે. આ પરિવાર પણ એક હોડકું લઈને જાતે જ પાણીમાં સહેલ કરવા ગયા હતા. આ સમયે કોઇ કારણસર હોડકું ઊંધું વળી ગયું હતું જેથી તેમાં બેસેલાં પાચેય લોકો પાણીમાં ડૂબી ગયાં હતાં. આ ઘટનાને પગલે કિનારા પર રહેલા લોકોમાં દેકારો મચી ગયો હતો. તેઓએ તરત જ તંત્રને જાણ કરતાં રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી એક મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે અન્ય લોકોના મૃતદેહ મોડી રાત સુધી મળ્યા નહોતા. હવે તેની શોધખોળ સવારે શરૂ કરાશે. મહિલાના મૃતદેહને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ પરિવારની ઓળખ થઈ શકી નથી પણ પરિવાર ભરૂચ જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે.

બીજી બાજુ સુરત નજીક સુવાલીના દરિયામાં પાંચ વ્યક્તિઓ ડૂબ્યા હતા. જેમાંથી એક યુવાનને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે એક વ્યક્તિનું ડૂબી જતા મોત થયું છે. અન્ય ત્રણ વ્યક્તિઓ હજી પણ લાપતા છે. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા દરિયામાં ડૂબેલા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી હતી પણ મોડી રાત સુધી તેમની કોઇ ભાળ મળી નથી. ભટાર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય સાગર પ્રકાશ સાલવેનું મોત થયું છે.  જ્યારે ઇચ્છાપોરમાં રહેતા સચિનકુમાર જાતવ લાપતા છે. જ્યારે અન્ય બે લાપતા યુવાનોની ઓળખ થઈ નથી

(10:53 pm IST)