ગુજરાત
News of Friday, 29th May 2020

હોસ્પિટલોને કોરોનાની સારવારમાં ૧૦ ટકા ઘટાડો કરવા કોર્ટનો નિર્દેશ

હોસ્પિટલો નફાખોરીની માનસિકતામાંથી બહાર આવે : હોસ્પિટલોની લૂંટ સામે સરકાર સામેની સુઓમોટો અરજી પર એડવોકેટ જનરલની કોર્ટ સમક્ષ રજૂઆત

અમદાવાદ,તા.૨૯ : કોરોના મહામારીમાં રાજ્ય સરકાર ધ્વારા લેવાયેલા વિવિધ પગલા અંગે ગુજરાત હાઈકોર્ટે સંતોષ વ્યક્ત કરતા ખાનગી હોસ્પિટલોને મહામારીના આ સમયમમાં નફાખોરીની માનસિકતામાંથી બહાર આવી રાજ્ય સરકાર ધ્વારા ૧૬મી મે એ નક્કી કરેલ સારવારના દરોમાં વધુ દસ ટકા ઘટાડો કરવાનો નિર્દેશ કરેલ છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જેબી પારડીવાલાની બેંચ સમશ્ર રાજ્ય સરકાર સામેની થયેલી સુઓ મોટો અરજી અંગે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીએ કરેલી રજુઆતોને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો અને હુકમ કરેલ છે. હાઈકોર્ટે સરકારની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે કોવિડ-૧૯ સિવીલ હોસ્પીટલ અમદાવાદના સંદર્ભમાં રાજ્ય સરકારને હાઈકોર્ટ ધ્વારા આપવામાં આવેલા તમામ દિશા નિર્દેશોનું પાલન થયું છે.

            હાઈકોર્ટ ધ્વારા નિમવામાં આવેલી પ્રણ એક્સપર્ટ ડોકટરો ડૉ. અમી પરીખ, ડૉ. અદ્ધૈત ઠાકોર અને ડૉ. બિપીન અમીનની સમિતીએ રાજ્ય સરકારે લીધેલા પગલાઓની વિગતો સાથે જે અહેવાલ કોર્ટે સમક્ષ રજુ કર્યા તેની પણ હાઈકોર્ટ નોંધ લઈને સંતોષ વ્યક્ત કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલ ધ્વારા કરવામાં આવેલ અરજી અંગે નારાજગી વ્યક્ત કરતાં સવાલ કર્યો હતો કે કોરોનાનો સંકટકાળ ચાલે છે અને તમે આ પ્રકારની અરજી શા માટે કરી છે. હાઈકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપતા જણાવ્યું કે ખાનગી હોસ્પિટલોને સમજાવે કે આ સંજોગોમાં લોકોના ભલા માટે કામ કરે છે. હાલનો સમય નફા ખોરીનો નથી આ પ્રકારની માનસિકતા ખાનગી હોસ્પિટલ છોડે તેવી તેમનેા વિનંતી છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ૫૦ ટકા અનામત રાખવામાં આવેલ બેડમાં સરકારે ૧૬મી મે નક્કી કરેલ દરમાં વધુ ૧૦ ટકાનો ઘટાડો કરે. રાજ્યમાં કોરોના દર્દીઓના ટેસ્ટીગ આઈસીએમઆરની ગાઈડલાઇન મુજબ કરવામાં આવતા હોવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આઈસીએમઆરને પક્ષકાર તરીકે જોડી વધુ સુનવણી મુલતવી રાખેલ છે.

(10:15 pm IST)