ગુજરાત
News of Friday, 29th May 2020

સરખેજમાં મચ્છર અગરબત્તીમાં વપરાતા કેમીકલથી કારીગરનું મોત : કેમિકલ ચીનથી ગેરકાયદે આવવાના મામલે તપાસ શરૂ

યુવકના પોસ્ટમોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ : કેમિકલની અસરથી ચક્કર આવવા લાગ્યા અને ઉલટી થઈ

અમદાવાદઃ સરખેજમાં આનંદ હોટલની સામે ઝેરી મચ્છર મારવાની અગરબત્તી બનાવતી સામ્યા ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતા યુવકનું પાંચ દિવસ અગાઉ કેમિકલની અસરથી મોત થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. કેમિકલ ચીનથી ગેરકાયદેસર આવ્યાંની રજુઆત બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. રખિયાલ પોલીસે આ અંગે એડીની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

  રખિયાલ વિસ્તારમાં સ્ટેડિયમની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો ઈમરાન બસીરભાઈ સમા (ઉ 25)સરખેજમાં ઝેરી મચ્છર મારવાની અગરબત્તી બનાવતી કંપની સામ્યા ઈન્ટરનેશનલમાં કામ કરતો હતો. પોલીસ ચોપડે નોંધ્યા મુજબ ગત તારીખ 24મી મેન રોજ સાંજે 7 વાગ્યે ઈમરાન ઘરે પહોંચ્યો હતો. ઇમરને તેના ઘરે કેમિકલની અસરથી ચક્કર આવવા લાગ્યા અને ઉલટી થતાં જી.સી.એસ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયો હતો

  ડૉક્ટરોએ હોસ્પિટલમાં ઈમરાનને મૃત જાહેર કર્યો હતો. રખિયાલ પોલીસે આ અંગે એડીની નોંધ કરી તપાસ હાથ ધરી છે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ ઝેરી મચ્છર મારવા માટે બનાવવામાં આવતી અગરબતી બનનાવવા માટે ચીનમાં બનતા કેમિકલનો ઉપયોગ થાય છે. આ કેમિકલ કેટલાક તત્વો ગેરકાયદેસર રીતે મંગાવીને તેનું વેચાણ કરે છે. ઈમરાન જે કંપનીમાં કામ કરતો તે સામ્યા ઇન્ટરનેશનલ કંપનીમાં બનતી અગરબત્તીમાં વપરાતું કેમિકલ ચાઈનાથી ગેરકાયદે આવેલું છે કે કેમ તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઝોન 5 ડીસીપી રવિ તેજાએ આ અંગે જણાવ્યું હતું કે, કેમિકલ ગેરકાયદે આવ્યાની રજુઆત મને પણ મળી છે તે અંગે તપાસ ચાલુ છે. પ્રથમ તો યુવકનું મોટ ક્યાં કારણસર થયું તે જાણવા અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ.

(9:45 pm IST)