ગુજરાત
News of Friday, 29th May 2020

અમદાવાદના નહેરુ બ્રિજ પાસે સાકાર-7 કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ ભભૂકી : યુવકે ચોથા માથેથી છલાંગ લગાવતા મોત

કોમ્પ્લેક્સની 40 ટકા ઓફીસો આગનાં ધુમાડાની ઝપેટમાં: ફસાયેલા 40 લોકોને બચાવાયા

અમદાવાદઃ આશ્રમ  રોડનાં નહેરુબ્રિજ પાસે સાકાર 7 કોમ્પ્લેકસનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઈલેક્ટ્રીક મીટરની ડકમાં બપોરે  લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેનાં પગલે કોમ્પ્લેક્સની 40 ટકા ઓફીસો આગનાં ધુમાડાની ઝપેટમાં આવી હતી. આ બનાવને પગલે 40થી વધુ લોકો કોમ્પલેક્ષનાં ટેરેસ પર જઇ ચડતા તેઓ ત્યાં જ ફસાઇ ગયા હતાં. આગનાં બનાવને પગલે ડરી ગયેલા યુવકે ચોથા માળેથી છલાંગ લગાવતા તેનું મોત થયું હતું.

  આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે વિકરાળ બનેલી આગના ધુમાડાની અસર સમગ્ર કોમ્પ્લેક્સમાં ફેલાઈ હતી. આગના આ બનાવમાં વસ્ત્રાલ ખાતે વ્રજવિહારમાં રહેતો યુવક જયદીપસિંહ ચાવડા પણ ફસાયો હતો. જયદીપસિંહ તેના મિત્રની ટ્રાવેલ્સની ઓફીસે કામ અર્થે આવ્યો હતો. અચાનક આગ લાગતા ધુમાડાની અસરથી ડરી ગયેલા જયદીપસિંહ એ ચોથા માળેથી નીચે પાર્કિંગમાં ઝપલાવ્યું હતું. જયદીપસિંહને સારવાર માટે લઈ જતાં ફરજ પરના ડૉકટરે મૃત જાહેર કર્યો હતો. પોકિસ અને ફાયરના જવાનોએ 40 જેટલા લોકોને બચાવી લીધા હતાં.

  આ ઘટનામાં આગ લાગતાં ધુમાડાનાં ગોટેગોટાં ઉડ્યાં હતાં. કોમ્પલેક્ષમાં ઓફિસો ચાલુ હોવાંથી લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતાં અને જીવ બચાવવા માટે કેટલાંય લોકો ધાબા પર દોડી ગયા હતાં. ફાયર બ્રિગેડનાં લોકોએ સીડીની મદદથી ઓફિસનાં કાચ તોડીને લોકોનાં જીવ બચાવ્યાં હતાં. જો કે ગણતરીની મિનિટોમાં જ ફાયરબ્રિગેડ દ્રારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે આ ઘટનામાં આગ લાગવાને કારણે બિલ્ડીંગ પરથી એક વ્યક્તિએ જીવ બચાવવા કૂદકો લગાવતા તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને જીવ બચાવવા માટે તે બિલ્ડીંગનાં ચોથા માળેથી કૂદ્યો હતો. જો કે બાદમાં તેને ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો.

(8:13 pm IST)