ગુજરાત
News of Friday, 29th May 2020

પરપ્રાંતિય મજુરોની હાલાકી મુદ્દે ગુજરાત સરકારને નોટિસ

માનવ અધિકાર પંચ દ્વારા મુદ્દાની ગંભીર નોંધ લેવાઈ : ટ્રેનોમાં જઈ રહેલ મજુરોને પડતી મુશ્કેલી મુદ્દે જવાબ માંગ્યો

નવી દિલ્હી, તા. ૨૯ : રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ટ્રેનોમાં પ્રવાસ કરી રહેલા મજૂરોના પડી રહેલી હાલાકી અને અગવડો અંગે ગુજરાત, બિહાર, કેન્દ્રીય ગૃહ સચિવ અને રેલવે તંત્રને નોટિસ જારી કરી છે. માનવ અધિકાર પંચે કહ્યું છે કે ટ્રેનોમાં મજૂરોને પીવાનું પાણી, ખોરાક કે અન્ય સુવિધાઓ મળતી નથી. તેમને ટ્રેનો અપાઈ રહી છે પણ તેમાં વિલંબ કરાઈ રહ્યો છે. એક નિવેદનમાં પંચે કહ્યું હતું કે, બિહાર અને ગુજરાત ગરીબ મજૂરોને દરકાર કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યાં છે. રેલવે તંત્ર દ્વારા અપાઈ રહેલી ટ્રેનો ફક્ત લેટ જ હોતી નથી પણ તે વધારાના દિવસો પણ તેના ગંતવ્ય સ્થળે જાય છે તેવા અહેવાલોનો સુઓમોટો લઈને માનવ અધિકાર પંચે આ નોટિસો ઈશ્યુ કરી છે. એક રિપોર્ટમાં એવો આરોપ મૂકાયો છે કે માઈગ્રન્ટ કામદારો જે ટ્રેનોમાં જઈ રહ્યાં છે તેમાં પાણીની કે ખોરાકની સુવિધા હોતી નથી. ઉલ્લેખનીય છે કે આ રીતે અત્યાર સુધીમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં ડઝનથી વધુ કામદારો ભૂખ અને ગરમીને કારણે મોતને ભેટ્યાં છે.

          એક ઘટનામાં સુરતથી ઉપડેલી ટ્રેન બિહારના સિવાનમાં બે દિવસને બદલે છેક નવમા દિવસે પહોંચી હતી. ખરેખર આ ટ્રેન ૧૬મી મેના રોજ પહોંચવાની હતી પણ રેલવેની નીંભરતાને કારણે છેક ૨૫મીએ પહોંચી હતી, તેમ પંચે તેની નોટિસમાં કહ્યું છે. કમિશને કહ્યું છે કે જો મીડિયા રિપોર્ટ સાચા હોય તો, આ ઘટનાઓ માનવ અધિકારના ગંભીર હનન સમાન છે. પંચે કહ્યું હતું કે, તંત્રની ખામીને લીધે મજૂરોના પરિવારોને ભોગવવાનું આવ્યું છે. આમ કહીને પંચે ગુજરાત, બિહાર, ગૃહ સચિવ અને રેલવે તંત્રને નોટિસ પાઠવી છે. હાલમાં દેશમાં તમામ જગ્યાએ પરપ્રાંતિય મુજરોને પોતાના વતન મોકલવાની રાજ્ય સરકારો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવી જ રીતે ગુજરાતમાંથી પણ પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

(8:08 pm IST)