ગુજરાત
News of Friday, 29th May 2020

ખેડૂતોની વિવિધ માંગણીઓ રજૂ કરતું આવેદનપત્ર કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આપાયું

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :ભારતીય કિસાન સંઘ અરવલ્લી દ્વારા ખેડૂતોની તાકીદની સમસ્યાઓ અંગે ગુજરાત સરકારને ઉદ્દેશીને અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની જુદી જુદી સમસ્યાઓ જણાવીને તાત્કાલીક તેનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

 આ અંગે ભારતીય કિસાન સંઘ અરવલ્લીએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે કિસાનોને આપવામાં આવતું વાર્ષિક ત્રણ લાખનું ૦ ટકા વ્યાજનું ધિરાણ ભરવાની મુદત વધારેની ૩૦ જુન કરવા જણાવ્યું હતું. જ્યારે હાલમાં ચાલી રહેલા કપાસ, ઘઉં, ચણા, રાયડો, તુવેર ટેકાના ભાવે ખરીદીમાં ઝડપ લાવવા અને રજીસ્ટ્રેશન થયેલા તમામ ખેડૂતોનો માલ લેવા માટે જરૂર પડ્યે કેન્દ્ર સરકારે મંજૂરી આપવી અને ખેડૂતોને ઝડપથી નાણાં આપવા, દિવેલા, ડુંગળી, વરિયાળી, જીરૂં, બટાકા, શાકભાજ વગેરેના ભાવો અનેકવાર રજૂઆતો કરવા છતાં નક્કિ થતા ન હોવાથી અગ્રીમતાના ધોરણે નિર્ણય કરવો, વર્તમાન સમયમાં આગોતરા વાવેતર માટે ખેતીવાડીની ૧૪ કલાક થ્રી ફેઈઝમાં વીજળી આપવી, કેસીસી ધિરાણમાં ત્રણ વર્ષ પુરા થયે નવીન ધિરાણ માટે નવા ડોક્યુમેન્ટ માગવામાં આવે છે જેમાં ૨૫૦૦થી ૩૦૦૦નો ખર્ચ થાય છે ત્યારે ઓનલાઈન ડોક્યુમેન્ટ ઉપલબ્ધ હોવાથી નવા ડોક્યુમેન્ટ આપવામાંથી મુક્તિ આપવી તેમજ જ્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં નવાગામ (ભડવચ) ખાતે ડેમ બનાવવા માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ભારતીય કિસાન સંઘ અરવલ્લીના પ્રમુખ જીવાભાઈ લટા, મંત્રી મગનભાઈ પટેલ, ઉપપ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા સજીવ ખેતી પ્રમુખ નરસિંહભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(7:31 pm IST)