ગુજરાત
News of Friday, 29th May 2020

કેવડીયાની આસપાસના ગામોમા વસતાં આદિવાસીઓને વિકાસની આડમા ખતમ કરવાનો ખેલ સરકાર બંધ કરે :ડો.પ્રફુલભાઈ વસાવા

બંધારણ, કાનુન અને માનવાધિકારોનો છેદ ઉડાડી સ્થાનિકોને મારઝૂડ અને સિતમ ગુજારી, એમની લાશો ઉપર એકતાની મુર્તિ બનાવવાનો ઢોંગ : પૈસાદારો અને ઉચ્ચ શ્રીમંત વર્ગો ના મોજશોખ અને અય્યાસી માટે રિસોર્ટ અને મનોરંજન પાર્કો બનાવવા સ્થાનિક આદિવાસીઓનુ નિકંદન કાઢવામા આવી રહ્યુ છે

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જીલ્લા ના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા અને આજુબાજુના ગામોમાં રહેતા આદિવાસીઓને પહેલાં નર્મદા ડેમ અને સરોવર અને નહેરોની આડમા વિસ્થાપિત કરાયા, ત્યાર બાદ મોદીના સ્વપ્ન સ્ટેચ્યુ યુનિટીને હજારો એકર જમીન સ્થાનિક ગ્રામ પંચાયતની પુર્વ મંજુરી વગર જ કબજો કરી લેવાઈ, પછી ભારતભવન, એકતા મ્યુઝિયમ, ટાઈગર સફારી,જેવા નિતનવા તુક્કાઓના નામે આદિવાસી વિરોધી અધિકારી ઓને મનફાવે તેમ વર્તન કરવાની ગુજરાત સરકારે છુટ આપીને જાણે બંધારણ કે કાનુન કે માનવાધિકારો નુ અસ્તિત્વજ ન હોય અને એ રીતે ચારે બાજુ થી સ્થાનિક આદિવાસીઓ ને રંજાડવાનુ ષડયંત્ર છેલ્લા કેટલાય વર્ષોથી અમલમા મુકવામાં આવ્યુ છે.
  લોકડાઉનમા જ્યારે સામાન્ય લોકો ને ઘર મા પુરાઈ રહેવાના સરકારી આદેશો લાગુ છે ત્યારે આ તક નો લાભ ઉઠાવી કેવડીયા અને આજુબાજુના ગામોની જમીનને તારની વાડ તાત્કાલિક યુદ્ધના ધોરણે ઉભી કરવાં માટે નર્મદા નિગમ ના અધિકારીઓ પોલીસ નો સહારો લઈ સ્થાનિક આગેવાનો કે ગ્રામપંચાયત ને વિશ્વાસ મા લીધાં વિના કાયદાથી ઉપરવટ જઈ આદિવાસીઓને રંજાડવાનુ કારસ્તાન કરી રહ્યાં છે, આ બાબત ની ફરિયાદ ગુજરાત ના રાજ્યપાલને આદિવાસી આગેવાન અને ચળવળકારી નેતા ડો.પ્રફુલભાઈ વસાવા એ કરી છે અને આ પ્રકારની અમાનવીય કામગીરી તાત્કાલીક બંધ કરાવવાની અરજ કરી છે.
 સરદાર સરોવર નર્મદા નિગમ આદિવાસીઓની જમીનો ખોટી રીતે પડાવી રહી છે, સરકાર લોકડાઉનનો ગેરફાયદો ઉઠાવી વિવાદિત જમીનો પર વીસેક દિવસ થી માપણી કાર્ય તેમજ તારની વાડ કરાવી રહી છે જે અંગે સ્થાનિક લોકો કે આગેવાનો ને કોઈ પણ જાત ની જાણ કર્યાં વિના જાણે કર્ફ્યુ લાગ્યું હોય પોલિસ તૈનાત કરી દેવામાં આવે છે જેનાથી આ ગામોમાં હાલ ભયંકર ડર નો માહોલ ઉભો થયો છે.ગરુડેશ્વર તાલુકા નો આ સમગ્ર વિસ્તાર ભારતીય બંધારણ ની અનુસૂચિ - ૫ મુજબ અનુસૂચિત આદિજાતિ વિસ્તાર તરીકે જાહેર છે પરંતુ અનુસૂચિત આદિજાતિના લોકોને આ વિસ્તારમાંથી ખસેડવામાં ગુજરાત સરકાર નવા નવા પ્રોજેક્ટો લાવી આદિવાસીઓની જમીનો ગેર બંધારણીય રીતે સરદાર સરોવર નર્મદા નિગમ ના સહારે હડપી રહી છે.આ વિસ્તારો ની ગ્રામસભા ઓને પૂછ્યા વગર સરદાર સરોવર નર્મદા નિગમ જાણે ભારતીય બંધારણ થી ઉપર હોય તેમ મનફાવે તેમ નિર્ણયો લઈ આદિવાસીઓ પર પોલિસ નો સહારો લઈ અત્યાચાર કરી રહી છે.નર્મદા જિલ્લા પોલિસ જાણે લોકો માટે છે જ નહીં તેવું વર્તન આદિવાસીઓ સાથે કરી રહી છે.નર્મદા પોલિસ આદિવાસીઓ સાથે ગાળો બોલી ગેરકાનૂની રીતે ડરાવી-ધમકાવીને ઢોર માર મારી તેમજ આદિવાસી પર ખોટાં કેસો કરવાની ધમકીઓ આપી રહી છે અને હવે તો નર્મદા જિલ્લા પોલિસ એટલી હદે પહુંચી છે કે પુરુષ પોલિસ કર્મચારીઓ ની હાજરી મા આદિવાસી મહિલા ઓની સાડી ઉતરી અપમાનિત કરી માનસિક ત્રાસ આપી રહી છે.
  નર્મદા જિલ્લામાં જે થઈ રહ્યું છે તેના ઉપર થી લાગી રહ્યું છે કે આદિવાસી સંસ્કૃતિ, ઓળખ, અસ્મિતા ને ખતમ કરવાનું મોટું ષડયંત્ર રચાય રહયું છે.આદિવાસીઓના બંધારણીય અધિકારો ને ગુજરાત સરકાર ધીરે ધીરે વિકાસ ના નામે સમાપ્ત કરી રહી છે.અનુસૂચિત આદિ જાતિના લોકોના હક્ક અધિકારોના જતન માટે બંધારણીય જોગવાઈ મુજબ રાજભવનમાં ટ્રાઈબલ સેલની રચના કરવાની હોય છે પરંતુ ગુજરાત રાજ્યના રાજ ભવનમાં આજદિન સુધી ટ્રાઈબલ સેલની રચના થઈ નથી જેના પરીણામે અનુસૂચિત આદિજાતિના લોકો પર દિવસે ને દિવસે અત્યાચાર વધી રહયાં છે.
ગુજરાત સરકાર જેવી રીતે હાલ વિકાસ ના નામે આદિવાસીઓ સાથે જાતિગત ભેદભાવ રાખી જે વર્તન કરી કે કરાવી રહી છે તેની ઉપર થી લાગી રહ્યું છે કે આદિવાસી ઓને ભારતીય બંધારણ ની વિરૂદ્ધ કૃત્યો કરવા માટે સરકાર ઉશ્કેરી રહી છે.નર્મદા જિલ્લામાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા કર્મચારીઓનું પોસ્ટીંગ કરી આદિવાસી લોકોને દબાવવા જાણે બધા જ પ્રકારની છુટછાટ આપી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
  જો ગરુડેશ્વર તાલુકામાં અનુસૂચિત આદિજાતિના લોકો સાથે થઈ રહેલા અમાનવીય વર્તન અને માનવઅધિકારોનું હનનને નહિ રોકવામાં આવે તો આવનારા સમયમા આ આખા વિસ્તારના આદિવાસીઓ મહામુશ્કેલીઓ પડી જશે જેથી આપને આદિવાસી સમાજ વતી વિનંતી કરું છું કે આપ તટસ્થ અને નિષ્પક્ષ બની આદિવાસીઓ માટે નિર્ણય લો અને આ વિસ્તારના આદિવાસીઓને બચાવી લો.

(7:25 pm IST)