ગુજરાત
News of Friday, 29th May 2020

વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત પાલિકા સભા ગૃહના બદલે ગાંધીનગર ગૃહ ખાતે બેઠક મળીઃ કોરોનાના કારણે કોઇ ઉપયોગી ચર્ચા જ ન થઇ

વડોદરા :વડોદરામાં કોરોનાના કારણે છેલ્લા બે માસથી મહાનગર પાલિકાની સભા મળી ન હતી. પરંતુ બે માસ બાદ વડોદરાના ઈતિહાસમાં પ્રથમવાર પાલિકાના સભા ગૃહના બદલે ગાંધીનગર ગૃહ ખાતે સભા મળી હતી. તેમાં પણ કોરોનાને લઈ કોઈ જ ઉપયોગી ચર્ચા થઈ ન હતી. જેના કારણે પાલિકાના કોર્પોરેટર પર સવાલ ઉઠ્યા છે.

વડોદરા પાલિકાની સભા ગાંધીનગર ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે મળી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી તમામ 74 સભ્યો હાજર રહ્યા હતા. મેયર, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર માટે અલગથી સ્ટેજ તૈયાર કરાયું હતું. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. પાલિકાના વહીવટકર્તાઓએ કોરોનાથી પોતાની પૂરતી સેફ્ટી રાખી હતી. પરંતુ સભામાં કોરોનાથી લોકોની સેફ્ટી કેવી રીતે કરીશું તેના નક્કર આયોજનની કોઈ ચર્ચા જ કરવામાં ન આવી. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોમાં જાણે અગાઉથી મેચ ફિક્સિંગ હોય તેમ હુંસાતુંસી કરીને સભાનો સમય પૂરો કરી નાંખ્યો હતો.

આગામી સમયમાં વરસાદી સીઝન પણ શરૂ થશે, ત્યારે પ્રિમોન્સુન કામગીરીની પણ કોઈ સઘન ચર્ચા સભામાં કરવામાં ન આવી. ભાજપ કોંગ્રેસના કાર્યકરો કોરોના કોના કારણે ફેલાયો તેના પર માત્ર એકબીજા પર આક્ષેપબાજી કરતા રહ્યા હતા. વડોદરામાં કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા કેમ વધારવામાં નથી આવતી તેના પર પણ કોઈ જ જવાબ સભામાં આપવામાં ન આવ્યો. એટલું નહિ પાણી વેરો, મિલકત વેરો માફી અંગે પણ કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવ્યો. જેને કારણે રાષ્ટ્રીય સમાજ પક્ષના કોર્પોરેટર રાજેશ આયરેએ ભાજપ કોંગ્રેસ પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. તો મેયરે હર હંમેશની જેમ સભામાં લોકોના હિતમાં ચર્ચા થઈ હોવાની કઈ ગોળગોળ જવાબો આપ્યા. ત્યારે હવે ભગવાન જ વડોદરાવાસીઓ ને બચાવે તેવું લાગી રહ્યું છે.

(5:23 pm IST)