ગુજરાત
News of Friday, 29th May 2020

સુરતથી સિવાન જતી ટ્રેન ૯ દિવસે કેમ પહોંચીઃ શ્રમિકોના મુદ્દે રાષ્‍ટ્રીય માનવ અધિકાર આયોગે ગુજરાત અને બિહાર સરકારને નોટીસ ફટકારી

ગાંધીનગર: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે (NHRC) ગુજરાત અને બિહાર સરકારને નોટિસ ફટકારી છે. રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવને પણ શ્રમિકો મુદ્દે આ નોટિસ ફટકારાઈ છે. શ્રમિકોને પડી રહેલી હાલાકીના મીડિયા રિપોર્ટ બાદ આયોગે સુઓમોટોના આધારે નોટિસ ફટકારી છે. સુરતથી સિવાન જઈ રહેલી ટ્રેન 9 દિવસે કેમ પહોંચી તે મામલે આયોગે કહ્યું કે, જો મીડિયામાં આવેલા અહેવાલો સાચા હોય તો માનવ અધિકારોનો ભંગ થયો ગણાય. આ પરિવારોને પારાવાર નુકસાન થયું છે અને રાજ્યો તેમને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. આયોગે ગુજરાત અને બિહારના મુખ્ય સચિવો, રેલવે બોર્ડ અને કેન્દ્રીય ગૃહ સચિવ પાસે આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.

ત્યારે આ નોટિસ મામલે બંને રાજ્યોના મુખ્ય સચિવોએ તેમની સરકારે ભરેલા પગલાં વિશે માહિતી આપવાની રહેશે.  શ્રમિકો માટે કરેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની સુવિધાઓ અંગે ચાર સપ્તાહમાં જવાબ આપવાનો રહેશે.

ભારતીય રેલ નેટવર્ક સૌથી મોટું અને સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. ટ્રેન થોડા કલાકો મોડી પડી શકે પણ, નવ દિવસનો સમય ન લાગે અને આ તપાસનો વિષય હોવાનું માનવ અધિકાર આયોગનું માનવું છે. બંને રાજ્યોના મુખ્ય સચિવોને એમ જણાવવા કહ્યું છે કે, ટ્રેનમાં સવાર થયેલા પ્રવાસી કામદારો માટે મેડિકલ સહાયતા સહિત અન્ય પાયાગત સુવિધાઓ માટે શું પગલા લેવામાં આવ્યાં.

તો સુપ્રિમ કોર્ટે પણ લોકડાઉન દરમિયાન ઘર જવા માટે સંઘર્ષ કરીને રસ્તામાં ફસાયેલા મજૂરોને રાહત આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે તમામ રાજ્યોને આદેશ કર્યો છે કે, ઘર જતા મજૂરો પાસેથી બસ કે ટ્રેનનું ભાડું ન લઈ શકાય. તેઓને ભોજન આપવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારો  પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે હેલ્પ ડેસ્ક લગાવીને તેમનું રજિસ્ટ્રેશન કરે, જ્યાં ફસાયા છે ત્યાંથી ટ્રેન અને બસમાં ચઢાવવાની પૂરી જાણકારી આપો. માહિતીનો પ્રચાર કરવામાં આવે. જેથી મજૂરોને માલૂમ પડે કે ક્યાંથી સુવિધા મળશે. જે લોકો રસ્તા પર ચાલતા જઈ રહ્યાં છે, તેઓને તાત્કાલિક શેલ્ટર હોમમાં લઈ જઈને તેઓની મદદ કરો.

(5:02 pm IST)