ગુજરાત
News of Friday, 29th May 2020

અમદાવાદમાં લો ગાર્ડન સ્‍થિત સરકારી બંગલાના ગાર્ડનના કાર્યક્રમમાં મેયરે માસ્ક ન પહેરીને નિયમનો ભંગ કરતા સોશ્યલ મીડિયા ઉપર ભારે ચર્ચા

અમદાવાદ: લોકડાઉન ખૂલવાની જાહેરાત કરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માસ્ક ન પહેરનારને અને જાહેરમાં થૂંકવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામા આવશે. ત્યારે જાહેર જનતાને આ નિયમનું પાલન ન કરવા મામલે દંડ પણ ફટકારવામા આવ્યો છે. આવામાં અમદાવાદના મેયર બીજલ પટેલે આ નિયમનો ભંગ કર્યો હતો. Ppe કીટનું અનુદાન સ્વીકારતા સમયે મેયર બીજલ પટેલે માસ્ક પહેર્યું ન હતું. લો-ગાર્ડન સ્થિત સરકારી બંગલાના ગાર્ડનમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં  અનેક લોકોની હાજરી હોવા છતાં માસ્ક ન પહેરી મેયરે  નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મેયર દ્વારા જ માસ્ક ન પહેરવાનો મામલો સોશિલ મીડિયા પર ચગ્યો હતો. આ મામલે સેંકડો યુઝર્સે કોમેન્ટ્સનો મારો ચલાવીને મેયરને ટ્રોલ કર્યા હતા.

ત્યારે સવાલ એ છે કે, શું અમદાવાદ મેયર પાસેથી AMC દંડ વસૂલશે ખરો ? ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ મેયર બીજલ પટેલે તોડ્યો છે. PPE કીટનું અનુદાન મેળવતી વખતે મેયરે નિયમનો ભંગ કર્યો ત્યારે શું માસ્ક ન પહેરવા બદલ તેઓ પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલાશે ખરો.

રાજકોટમાં થૂંકવા બદલ ધારાસભ્યને થયો હતો દંડ

કોરોનાને પગલે લોકડાઉનને કારણે ફસાયેલા લોકો માટે ચલાવેલા રાહતના રસોડામાં અરવિંદ રૈયાણી માવો ખાઇને થૂંકયા હતા. તેમની આવી હરકતનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો અને વાયરલ થતા લોકોએ તેમના પર ફિટકાર વરસાવી હતી. ધારાસભ્ય અરવિંદ રૈયાણીને જાહેરમાં થૂંકવા બદલ મહાનગરપાલિકા દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની પહોંચ પણ અરવિંદ રૈયાણીએ મીડિયાને બતાવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર અને નાગરિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જાહેરમાં થૂકવાથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. આવામાં જો સામાન્ય લોકો સામે આવુ વર્તન કરે તો મનપા તેમની સામે કડક કાર્યવાહી કરે છે. ત્યારે જોવુ એ રહ્યું કે હવે ભાજપના મેયર સામે શું કાર્યવાહી થાય છે.

(4:54 pm IST)