ગુજરાત
News of Friday, 29th May 2020

ખાનગી હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે નિયમ મુજબ જ ચાર્જ લેવોઃ ઉપરવાળો બધું જોઈ રહ્યો છેઃ હાઇકોર્ટ

જસ્ટીસ પારડીવાલાની ખાનગી હોસ્પિટલોને ટકોર બાદ હોસ્પિટલોના વકીલે કહ્યું કે ચાર્જમાં ૫-૧૦ ટકાનો ઘટાડો કરીશું

અમદાવાદ, તા.૨૯: રાજયમાં કોરોના વાયરસની સારવારને લઈને હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોને ટકોર કરી છે. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારના ચાર્જ મામલે હાઇકોર્ટ ખાનગી હોસ્પિટલોને સરકારી નિયમ મુજબ જ ચાર્જ લેવા આદેશ કર્યો છે. આ અંગે હાઈકોર્ટના જજ જસ્ટિસ પારડીવાલાએ ટકોર કર્યા બાદ ખાનગી હોસ્પિટલોના વકીલે કોર્ટમાં કહ્યું કે, ચાર્જમાં ૧૦ ટકાનો ઘટાડો કરીશું. તેની સાથે સાથે કોર્ટે એમ પણ કર્યું કે, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. તેમજ જો કાયદાનો ભંગ થશે તો કેસ પણ ચલાવવામાં આવશે.

રાજયમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હવે રાજય સરકારે દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર દ્વારા સરકારે રાજયમાં ૨૦થી વધુ બેડ ધરાવતી પ્રાઇવેટ હોસ્પિટલોનાં ૫૦% બેડ કોરોનાનાં દર્દી માટે રિઝર્વ રાખવાનો હુકમ કર્યો છે. જોકે, સરકારે આ બધું જ હાઇકોર્ટોના આદેશ બાદ કર્યુ છે.

રાજય સરકારે  ગુજરાત હાઈકોર્ટને માહિતી આપી હતી કે, આ હોસ્પિટલોને કોવિડ -૧૯ કેર સુવિધાઓ માટે નિયુકત કર્યા બાદ અમદાવાદ શહેરની ૪૫ ખાનગી હોસ્પિટલોમાં કુલ ૬૨% પથારીનો હસ્તગત કરી છે.હાઈકોર્ટના નિર્દેશોના જવાબમાં સરકારે કહ્યું કે ૪૫ ખાનગી હોસ્પિટલોમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) એ કુલ ૩,૩૦૩ પથારીમાંથી ૨,૦૪૮ પથારી આરક્ષિત કરી છે. આ હોસ્પિટલોમાં કુલ ૫૦% પથારીનો  હસ્તગત કરવાના ઉચ્ચ અદાલતના નિર્દેશોની વિરુદ્ઘ કુલ પથારીના લગભગ ૬૨% જેટલી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલીક હોસ્પિટલોએ તેમની ૧૦૦% સુવિધાઓ સ્વયંસેવામાં આપી હોવાથી, એએમસી વધુ પથારી સુરક્ષિત કરી શકશે.

(3:14 pm IST)