ગુજરાત
News of Friday, 29th May 2020

૪૦થી વધારે કોરોનાગ્રસ્ત સગર્ભાઓ પોતાના ઘરે પરત

વધુ એક સગર્ભાએ કોરોના સામે જીત્યો જંગ : હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા મારું અને મારા દિકરાનું ખૂબ જ ધ્યાન રાખવામા આવ્યું' : અનિતાબેનનો દાવો

અમદાવાદ, તા. ૨૮ : છેલ્લા બે મહિના દરમિયાન ૪૦ થી વધુ કોરોનાગ્રસ્ત સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે, ત્યારે આજે વધુ એક સગર્ભા મહિલા પ્રસુતિ બાદ કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ અને પેરામેડીકલ સ્ટાફની સેવાથી અત્યંત પ્રસન્ન થયેલાં અનિતાબેન ગદ્દગદિત સ્વરે જણાવે છે કે, હું મારા દીકરાને ભણાવી-ગણાવીને ડૉક્ટર બનાવીશ. પોતાના નવજાત શિશુ સાથે સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફરતા અનિતાબેનના ચહેરા પર એક અલગ પ્રકારનો આનંદ છવાયેલો હતો. અનિતાબેન પોતાની પ્રસુતિને લઈને ખૂબજ ચિંતિત હતા દરમિયાન તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા.

           અનિતાબેન સગર્ભા હોવાની સાથે-સાથે કોરાનાથી પણ પોઝીટીવ હતા. જેથી તેમનો પરિવાર ખૂબ ચિંતામાં આવી ગયો હતો પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઘર જેવું વાતાવરણ મળતા તેમની ચિંતા દુર થઈ ગઈ હતી. ૧૪ દિવસ પહેલાં અનિતાબેનને કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સારવાર દરમિયાન તેઓએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. માતા અને બાળક બંન્નેની તબિયતનું સંપૂર્ણ ધ્યાન સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા રાખવામાં આવ્યું હોવાનો સંતોષ તેમના ચહેરા પર  સ્પષ્ટ દેખાઈ રહ્યો હતોઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોતાની સારવાર વિશેનો અનુભવ વ્યક્ત કરતાં લાગણીશીલ થઈ અનીતાબેન જણાવે છે કે, 'હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા મારું અને મારા દિકરાનું ખૂબ ધ્યાન રાખવામા આવ્યું છે,

             અમને સમયસર નાસ્તો, બે સમય પૌષ્ટિક જમવાનું, જ્યુશ, પાણી, સ્તનપાન અંગે માર્ગદર્શન, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય તે માટે વિવિધ દવાઓ પણ આપવામાં આવતી હતી.' સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતાં સમયે ડોક્ટર્સ દ્વારા પૂરતા પ્રમાણમાં માસ્ક અને સેનિટાઈઝર્સની બોટલ તેમજ ઘરે ગયા પછી બાળકના ઉછેર અંગેની જરૂરી સલાહ આપવામાં આવી હતી.

(10:06 pm IST)