ગુજરાત
News of Friday, 29th May 2020

ખાનગી હોસ્પિટલમાં અનામત બેડની માહિતી ઓનલાઈન મુકો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જોરદાર માંગણી : ચીફ સેક્રેટરીને કોંગ્રેસ આગેવાનોએ આવેદનપત્ર આપ્યું

અમદાવાદ, તા. ૨૮ : રાજ્ય સરકાર દ્વારા ૪૨ જેટલી ખાનગી હોસ્પિટલમાં ૫૦ ટકા પોતાના હસ્તક રાખ્યા છે. તેમાં કોર્પોરેશન હસ્તક કેટલા બેડ, આઈસીયુ બેડ અને વેન્ટિલેટર સહિતની માહિતી ઓનલાઈન મૂકવાની માહિતી માગણી સાથે આજે કોંગ્રેસના આગેવાનોએ ચીફ સેક્રેટરી અનિલ મુકીમની ગાંધીનગર ખાતે મુલાકાત લઈ વિવિધ માંગણી સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

કોરોના મહામારીના કપરાકાળમાં પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈ આજે બપોરે ગાંધીનગર ખાતે ચીફ સેક્રેટરી અનિલ મુકીમની કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર, ગ્યાસુુદ્દીન શેખ, હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલા તથા કોંગ્રેસના મહામંત્રી નિશીત વ્યાસે ગાંધીનગર ખાતે રૂરરૂ મુલાકાત લઈ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૪૨ જેટલી ખાનગી  હોસ્પિટલોને ડોઝિનેડ કરી ૫૦ ટકા બેડ પોતાના હસ્તક રિઝર્વ રાખ્યા છે. જ્યારે ૫૦ ટકા બેડ ખાનગી હોસ્પિટલો માટે ખુલ્લા રાખેલ છે તેવા સંજોગોમાં હોસ્પિટલોમાં કુલ કેટલા બેડ છે તેની માહિતી સહિત કયા ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર ઉપલબ્ધ છે ત્યાં કોર્પોરેસન હસ્તક કેટલા બેડ ખાલી છે ? કેટલા આઈસીયુ બેડ છે ? કેટલા વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા અંગૈની માહિતી ઓનલાઈન મૂકવી જોઈએ.

ઉપરાંત આવેદનપત્રમાં કોરોના સિવાયની અન્ય બિમારીઓ કેન્સર, હાર્ટ, કિડની, હાઈપર ટેન્શનની સારવાર પુનઃ શરૂ કરવા, નોડલ  ઓફિસર તરીકે ડેપ્યુટી મ્યુનિ કમિશનર કક્ષાના અધિકારીની નિમણૂક કરી હેલ્પલાઈન શરૂ કરવી. ખાનગી હોસ્પિટલો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે અપનાવેલ ભેદભાવપૂર્ણ નીતિ અને કોરોના માટે એગ્રેસિવ ટેસ્ટિંગ નીતિ અપનાવે.

(10:00 pm IST)