ગુજરાત
News of Wednesday, 29th May 2019

અમદાવાદ ધુમાડા વગરના તમાકુ સેવનમાં પ્રથમ નંબરે

તમાકુના સેવનથી પણ હૃદય રોગ થઈ શકે છે : તમાકુ ચાવવાથી-અન્ય ધુમાડા વિનાનાં તમાકુ ઉત્પાદનોનાં સેવનથી કેન્સરનાં રોગમાં વધારો : રિપોર્ટમાં દાવો કરાયો

અમદાવાદ,તા. ૨૯ : ગુજરાતના લોકોમાં તમાકુનું સેવન કરવું એક મોટી સમસ્યા છે. મોટાભાગના લોકો તમાકુના સેવનથી થતી અસરો અંગે જાણકારી ધરાવે છે ત્યારે ઘણાં લોકો તમાકુના સેવનની પરોક્ષ અસરોથી સર્જાતી આરોગ્ય સંબંધિત સમસ્યાથી અજાણ હોય છે. તમાકુના સેવનની ઘણી અસરો છે. આ અસરોમાં ધમનીઓમાં ચરબી જામી જવી, કેટલાંક પ્રકારનાં કેન્સર અને લાંબા ગાળાનો ફેંફસા સાથે સંબંધિત પલ્મોનરી રોગ (ફેંફસાની સમસ્યાઓ) સામેલ છે. એથેરોસ્ક્લેરોસિસ (ધમનીઓમાં ચરબીયુક્ત પદાર્થોમાં વધારો કરે છે) ધુમ્રપાનથી મોટી સંખ્યામાં થતાં મૃત્યુઓ માટે મુખ્ય જવાબદાર છે. ઘણાં અભ્યાસોમાં પુરવાર થયું છે કે, ધુમ્રપાન હૃદયની ધમનીનાં રોગ માટે મુખ્ય કારણભૂત પરિબળ છે, જે હૃદયરોગનાં હુમલા તરફ દોરી જાય છે. તમાકુનું સેવન ધુમાડા વિના તમાકુનાં સેવનનું સર્વસામાન્ય પ્રકાર છે. ધુમાડા વિના તમાકુનાં ઉત્પાદનોમાં તમાકુ કે તમાકુનું મિશ્રણ સામેલ છે, જેને ચાવવામાં આવે છે, ચુસવામાં આવે છે કે સૂંઘવામાં આવે છે. નિકોટિનનું શોષણ મુખની મુલાયમ પેશીઓ વાટે થાય છે અને કેટલાંક કિસ્સાઓમાં પેશીઓ ગળી જાય છે. આમ, તમાકુના સેવનથી હૃદય રોગ પણ થઇ શકે એમ એપોલો હોસ્પિટલ્સ અમદાવાદના ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજીના ડાયરેક્ટર ડો.સમીર દાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત, ખાસ કરીને અમદાવાદ કમનસીબે ધુમાડાં વિના તમાકુનું (મુખ વાટે) સેવન કરવામાં નંબર વન છે. તે પેઢાઓ વચ્ચે ગુટખાં, પાનમાં કે પાનમસાલા સ્વરૂપે લેવામાં આવે છે. પછી તમાકુનું સેવન સૌથી વધુ માવા સ્વરૂપે એટલે કે ચુના અને સોપારી સાથે તમાકુનાં મિશ્રણ સ્વરૂપે થાય છે, જેને પેઢા વચ્ચે દબાવીને રાખવામાં આવે છે. ધુમાડો પેદા ન કરતાં તમાકુનાં ઉત્પાદનનાં સેવનથી સ્વાસ્થ્ય સાથે સંબંધિત જોખમો (મુખ વાટે તમાકુનું સેવન) તમાકુનાં તમામ ઉત્પાદનો નિકોટિન ધરાવે છે, જે નશાકારક રસાયણ છે. ઉપરાંત તેમાં ૨૮ અલગઅલગ રસાયણો હોય છે, જે તમાકુમાં હાજર હોય છે અથવા ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉમેરાય છે, જેને કેન્સર માટે કારણભૂત એજન્ટ (કાર્સિનોજેન્સ) કહેવાય છે. ધુમાડો પેદા ન કરતાં તમાકુનાં ઉત્પાદનમાં રહેલાં આ પદાર્થોનો રોગનાં જોખમ સાથે સંબંધનું દસ્તાવેજીકરણ સારી રીતે થયું છે. ધુમાડો પેદા ન કરતાં તમાકુનાં ઉત્પાદનો સાથે સંબંધિત સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં નીચે મુજબ છે. ધુમાડો પેદા ન કરતાં તમાકુનાં ઉત્પાદનો નિકોટિન ધરાવતાં હોવાથી તમને સિગારેટનું જેમ તેનું વ્યસન થઈ શકે છે. ધુમાડા વિના તમાકુનાં કેટલાંક સ્વરૂપો તમારાં હૃદયનાં ધબકારાનો દર અને બ્લડપ્રેશરમાં વધારો કરે છે. પુરાવા સૂચવે છે કે ધુમાડા વિના તમાકુનું સેવન લાંબો સમય કરવાથી જીવલેણ હૃદયરોગ અને સ્ટ્રોકનાં જોખમમાં વધારો થાય છે. તમાકુ ચાવવાથી અને અન્ય ધુમાડા વિનાનાં તમાકુ ઉત્પાદનોનાં સેવનથી વિવિધ પ્રકારનાં કેન્સરનાં જોખમમાં વધારો થાય છે. જેમ કે મુખનું કેન્સર, ગળાનું કેન્સર, ગાલનું કેન્સર, પેઢાનું કેન્સર, હોંઠ કે જીભનું કેન્સર. સ્વાદુપિંડ અને અન્નનળીનું કેન્સર, જે તમારાં ગળામાંથી તમારાં પેટ સુધીની લાંબી નળી છે. ધુમાડા વિના તમાકુનું સેવન તમારાં મુખની અંદર લૂકોપ્લેકીઉં નામનાં નાનાં સફેદ ડાઘનું જોખમ વધારે છે. આ ડાઘાં કેન્સરપૂર્વેની સ્થિતિ છે. એટલે કે આ ડાઘાની સારવાર કરાવવામાં ન આવે તો એક દિવસ કેન્સરયુક્ત બની શકે છે. ધુમ્રપાન હૃદયની ધમનીનાં રોગોનું જોખમ કેવી રીતે વધારે છે? સિગારેટ અને તમાકુનું ધુમ્રપાન, લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારીને, બ્લડ પ્રેશર વધારીને, શારીરિક નિષ્ક્રિયતા, મેદસ્વીપણું અને ડાયાબીટિસ એ છ મુખ્ય સ્વતંત્ર પરિબળો છે, જે હૃદયની ધમનીનાં રોગોનું જોખમ વધારે છે કે નિયંત્રણમાં રાખે છે. ધુમ્રપાનનું સેવન મોટી સંખ્યામાં લોકો કરે છે. ધુમ્રપાનથી હૃદયની ધમનીનાં રોગનાં જોખમમાં વધારો થાય છે. જ્યારે અન્ય પરિબળો સાથે આ પરિબળ જોડાય છે, ત્યારે જોખમમાં મોટો વધારો થાય છે. ધુમ્રપાનથી બ્લડ પ્રેશર વધે છે, કસરત કરવાની ક્ષમતા ઘટે છે અને લોહીનાં ગઠ્ઠા જામી જવાનું પ્રમાણ વધે છે. ધુમ્રપાનથી બાયપાસ સર્જરી પછી હૃદયની ધમનીનો રોગ ઉથલો મારવાનું જોખમ પણ વધે છે. ધુમ્રપાન યુવાન પુરુષો અને મહિલાઓ માટે સૌથી મોટું જોખમી પરિબળ છે. તે ૫૦ વર્ષથી વધારે ઉંમર ધરાવતી વ્યક્તિ કરતાં ૫૦ વર્ષથી ઓછી વય ધરાવતી વ્યક્તિઓમાં જોખમમાં ઘણો વધારે કરે છે. મુખ વાટે ગર્ભનિરોધક ગોળીઓ લેતી પણ ધુમ્રપાન કરતી મહિલાઓની સરખામણીમાં ધુમ્રપાન કરતી અને મુખ વાટે ગર્ભનિરોધક ગોળીઓ લેતી મહિલાઓમાં હૃદયની ધમનીઓનાં રોગ અને સ્ટ્રોકનાં જોખમમાં વધારો થાય છે.

(9:03 pm IST)