ગુજરાત
News of Wednesday, 29th May 2019

અમિતભાઇ મંત્રી નહિ બને ? માંડવિયા મંત્રી નહિ તો સંગઠનમાં: રૂપાલાના વિકલ્પે કુંડારિયાને તક

ગુજરાતમાંથી ત્રણ જેટલા સાંસદોને મોદી સરકારમાં સ્થાન મળવાની શકયતા : જશવંતસિંહ ભાભોર, સી.આર.પાટિલ, પરબતભાઇ, પૂનમબેન વગેરેના નામ ચર્ચામાં

રાજકોટ તા. ર૯ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નવા મંત્રી મંડળની આવતીકાલે શપથવિધિ થનાર છે નવી સરકારમાંં ગુજરાતમાંથી બે થી ચાર સાંસદોને તક મળે તેવી સંભાવના છે ગાંધીનગરથી લોકસભામાં ચૂંટાયેલા રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહના મંત્રી મંડળમાં પ્રવેશ બાબતે હજ સ્પષ્ટ સંકેત મળતા નથી તેમની પ્રમુખ તરીકેની બે ટર્મ પૂરી થઇ ગઇ હોવાથી તેઓ નંબર ટુ તરીકે સરકારમાં જોડાશે તેવી સ્વભાવિક માન્યતા છે પણ ભાજપના વર્તુળો આ બાબતને સમર્થન આપતા નથી. જો તેઓ સરકારમાં ન જોડાય તો ભાજપના નીતિ-નિયમોમાં અપવાદ કરીને ત્રીજી ટર્મ માટે પ્રમુખ તરીકે યથાવત રહે તેવી શકયતા નકારાતી નથી. તેઓ મંત્રી બને તો ગૃહ, સંરક્ષણ, નાણા જેવા મહત્વના ખાતા સંભાળી શકે છે શ્રી શાહના મંત્રી મંડળમાં સમાવેશ અંગેનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ગુજરાતમાંથી અન્યના સમાવેશનો અણસાર મળશે.

ગઇ સરકારના મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા યથાવત રહે તેવુ પ્રથમ દૃષ્ટિ જણાય છે. જો રૂપાલાને મંત્રી મંડળમાં ન લેવાય તો વિકલ્પે મોહનભાઇ કુંડારિયાને તક મળી શકે છે.માંડવિયાનું સ્થાન મંત્રી મંડળમાં ન રહે તો પ્રદેશ ભાજપ પ્રમુખ અથવા કેન્દ્રીય સંગઠનમાં તેમના નામની વિચારણા થવા પાત્ર છે.  ઉપરાંત ગુજરાતમાંથી પરબતભાઇ પટેલ, જશવંતસિંહ ભાભોર, પૂનમબેન માડમ, સી.આર.પાટિલ વગેરેના નામ ચર્ચાઇ રહ્યા છે.

(3:49 pm IST)