ગુજરાત
News of Tuesday, 29th May 2018

પાણી માટેના કરોડો રૂપિયા પાણીમાં! સરકારે જળસંકટ સર્જયુ, હવે પ્રજાનુ ધ્યાન બીજે ખેંચવા જળસંચય નાટક

૧૧૨ ટકા વરસાદ છતા, ૮૦૦ ગામોમાં પાણીની તંગી : ડો. મનીષ દોશીના આક્ષેપોની રેલમછેલ

અમદાવાદ તા.૨૯ : 'પાણી' વ્યવસ્થાપન અને વિતરણનો  ખર્ચ સરકારને મોંઘો પડી રહ્યો છે. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારમાં ૨ રૂપિયે એક હજાર લીટર પાણી જ્યારે નગર પાલિકા માં ૪ રૂપિયે આપી રહી છે. મોટાભાગે વસુલાત થતી નથી અને મંડળવાળ કરવી પડે છે. પાણી જે ભાવે આપીએ છે તે ભાવે નથી પડતુ. ઘણુ મોંઘુ પડે છે. નર્મદા નિગમને કરોડો નો ખર્ચ થાય છે. તેવા રાજ્યના નાયબ મુખ્યમંત્રીના નીવેદન ભાજપ સરકારની જળ વિતરણ, જળ સંચય  અને જળ પ્રબંધન  ક્ષેત્રની  નિષ્ફળતાનું સ્વીકારનામું અને બેજવાબદારી  નીતી , દેવાળીયા શાસનની પોલ ખોલી નાખવાનો આક્ષેપ કરતા ગુજરાત કોંગ્રેસ પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યુ હતુ.  કે, ગત વર્ષે ૧૧૨ ટકા વરસાદ પડ્યો હોવા છતા ભાજપ સરકારના અણઘડ વહીવટ અને આયોજનના અભાવે ૮૦૦૦ ગામોમાં પીવાના પાણીની તંગી અને ખેડુતોને સિંચાઇના પાણી માટે આજીજી કરવી પડે આવા જળ વ્યવસ્થાપન, વહીવટ, વહેચણી વિતરણ અંગેના તમામ દાવાઓની  પોલ ખુલી ગઇ છે.

ગુજરાત ભાજપ સરકારે ૧૬૦૦૦ કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ માત્ર પાણી પુરવઠા પાછળ કર્યો છે. અંદાજ સમિતિના  છેલ્લા ત્રણ વર્ષના હિસાબો મુજબ ૮૧૩ કરોડ જેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો ૧૬૭૯ કરોડ પાણીના વિતરણ પાછળ જ ખર્ચ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપ સરકારે છેલ્લા ૮ વર્ષમાં જુદી-જુદી પાણી માટેની યોજનાઓ પાછળ ૫૦,૦૦૦ કરોડથી પણ વધુની જાહેરાતો કરી છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ગુજરાતના નાગરિકો પીવાના પાણી માટે  વલખા મારી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ૧૦ કિ.મી. જેટલુ ચાલીને રહેનોને પાણી ભરવા જવુ પડે છે.  ગુજરાતના ૮ જિલ્લાઓ ૮૩૫ વસાહતો પાણીની છતનો ભોગ બની રહ્યા છે. જેમાંથી સરકાર દ્વારા માત્ર ૮૫૪ વસાહતોને ટન્કર  દ્વારા પાણી પહોંચાડવાની  કબુલાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે આપેલી વિગતો  મુજબ ૬૪૯૫૦ ટેન્કરના ફેરા કરવામાં આવ્યા છે. સમગ્ર માહિતીમાં કુલ ૧૩ રાજ્યોમાં  ૧૩૮,૮૧૩ ટેન્કરના ફેરાથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. એટલે કે, ગુજરાતના ૪૫ ટકા ટેન્કરોના ફેરા થાય છે જેનો સિધો  અર્થ એ છે કે ગુજરાતમાં ભાજપ સરકારની અણઆવડત, ઈચ્છાશકિતનો અભાવ અને બેદરકારીને કારણે ટેન્કર રાજ છે. જેના લીધે ગરીબ-સામાન્ય - મધ્યમવર્ગના  પરીવારો પાણી માટે ટળવળે છે. ગુજરાત સરકારે  વિધાનસભામાં કરેલી જાહેરાત મુજબ ૨૯૦૦ કરોડના ખર્ચે સ્વર્ણીમ પાઇપ લાઇન દ્વારા વર્ષ - ૨૦૧૧માં ૧૪૫૦ એમ.એલ.ડી પાણીનો જથ્થો પહોંચાડવાનુ કામ પુર્ણ થશે.જ્યારે આજે  ચાર-ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતા માત્ર ૧૫૦ એમ.એલ.ડી. પાણી જથ્થો આપવામાં  આવી રહ્યો છે. આ છે વાયબ્રન્ટ અને ગતીશીલ ગુજરાતમાં પાણી માટેનું ગુડ ગવર્નન્સ.

ખેડુતોને સબસીડીનો કાપ, ખેડુતોને ખેતપેદાશોના ભાવ પર કાપ, ખેડુતો માટે વિજળી કાપ અને હવે ખેડુતો માટેનું સિંચાઇના પાણી પર કાપ ત્યારે ઉદ્યોગોને મફતના ભાવે પાણી અને ખેડુતોને સતત અન્યાય ભાજપ સરકાર કરી  રહી છે. નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે. પરંતુ ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીના કારણે ૪૩૦૦૦ કી.મી.ની નર્મદાની, કેનાલ, માઇનોર, સબ માઇનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી પરીણામે નર્મદાનું દરીયામાં જાય છે.  અને ગુજરાતના ખેડુતોને નર્મદાનું પાણી મળતુ નથી.  કેનાલના કામો માટે કોઇની મંજુરીની જરૂર ન હોવા છતા કેનાલના કામ ૨૨ વર્ષ સુધી કેમ પુર્ણ ન કર્યા ? વર્ષ ૨૦૧૭ના છેલ્લા ૬ મહિનામાં પાણીનો કરેલો અક્ષમ્ય વેડફાટ જવાબદાર છે ત્યારે ભાજપ સરકારના પાપે ઉભા થયેલા જળ સંકટથી પરેશાન પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા સંચયનુ નાટક અંગે રૂપાણી સરકાર જવાબ આપે તેમ ડો. મનીષ દોશી જણાવે છે.

(11:41 am IST)