ગુજરાત
News of Thursday, 29th April 2021

ઈડરના રણાસણમાં યુવકે હાથમાં ધારિયું લઇ અગમ્ય કારણોસર મંદિરોમાં તોડફોડ કરતા લોકોમાં રોષ

ઈડર: તાલુકાના રણાસણમાં ગામના એક યુવકે હાથમાં ધારીયું લઈ 'ગામના મંદિરો તોડી નાખવા છે' તેમ કહી પૌરાણિક વિર બાવજીના મંદિરની પ્રતિમા ઉપરાંત ભૈરવદાદાના નાના મંદિર સહિત ચાંદીના છત્તરની તોડફોડ કરતાં ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાવા પામી છે. ઘટના અંગે ગામના મહિલા સરપંચની ફરિયાદ આધારે પોલીસે તોડફોડ કરનાર યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાં રણાસણ ગામના મહિલા સરપંચ હસુમતીબેન અમૃતભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે ગામના જીગરસિંહ ભમ્મરસિંહ ચૌહાણે કોઈ કારણસર હાથમાં ધારીયું લઈ આજે તો ગામના મંદિરો તોડી નાખવા છે તેવી જોર-જોરથી જાહેરમાં બુમો પાડી લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય આચર્યું હતું.

યુવકે ધારીયા સાથે પૌરાણિક વિર બાવજીના મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં સ્થાપિત વિર બાવજીની મૂર્તિને ખંડીત કરી હતી. ઉપરાંત શ્રધ્ધાળુઓએ મુકેલા માટીના ઘોડા તથા લાકડાના ઘોડિયા અને ચાંદીના છત્તર તેમજ ભૈરવદાદાના નાના મંદિરમાં ધારીયાથી તોડફોડ કરી હતી. યુવકના પ્રકારના બેહુદા વર્તનને કારણે ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાવા સાથે લોકરોષ ભભૂકી ઉઠયો છે.

(4:44 pm IST)