ગુજરાત
News of Thursday, 29th April 2021

વડોદરામાં વર્ષમાં 3,192 બાળકો કોરોનાથી સંક્રમિત થયા : 600 બાળકો સારવાર હેઠળ

કોરોનાએ વૃદ્ધો, યુવાનોની સાથે બાળકોને પણ સંક્રમિત કર્યા

વડોદરા: શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કોરોનાથી કુલ 3192 બાળકો સંક્રમિત થયા છે. જે પૈકી માત્ર એક જ બાળકનું મોત થયુ છે. શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં હાલ 606 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી 158 બાળકો કોરોનાથી સંક્રમિત થઇને સારવાર માટે આવ્યા હતા. જે પૈકી ૨૩ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા અને 135 બાળકોને ઘરે જ સારવાર આપવામાં આવી છે.

કોરોનાએ વૃદ્ધો, યુવાનોની સાથે બાળકોને પણ સંક્રમિત કર્યા છે. કોરોનાની પહેલી લહેરમાં યુવાનો તેમજ બાળકો ખૂબ જ ઓછી સંખ્યામાં સંક્રમિત થયા હતા.પરંતુ, બીજી લહેરમાં બાળકો અને યુવાનો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા છે.

કોર્પોરેશને જાહેર કરેલા આંકડા મુજબ,કુલ 3192 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. જે પૈકી હાલમાં 606 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જ્યારે 2585 બાળકો કોરોનાથી સાજા થઇ ગયા છે.

અત્યાર સુધી માત્ર એક જ બાળકનું કોરોનાના કારણે મોત થયુ છે. જોકે,તે બાળકને કિડની, એનિમિયા સહિતની બીમારીઓ હતી. જ્યારે અન્ય એક બાળકનું કોરોનાથી સ્વસ્થ થઇ ગયા પછી કોરોનાના કારણે શરીરમાં થયેલા ઇન્ફેક્શનના કારણે મોત થયુ છે. તે બાળકને ખેંચની પણ બીમારી હતી.

સયાજી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં કુલ 158 બાળ દર્દીઓ સારવાર લેવા માટે આવ્યા હતા. જ્યારે માતાને થયેલા કોરોનાના કારણે 14 નવજાત શિશુને પણ સારવાર આપવામાં આવી હતી.

(12:20 pm IST)