ગુજરાત
News of Sunday, 29th March 2020

ગુજરાતમાં કોરોનાના નવા કેસ સપાટી ઉપર : એકનું મોત થયું

ગુજરાતમાં કોરોનાના કેસો વધીને ચિંતાજનકરીતે ૬૩ થયા : એકલા અમદાવાદમાં કેસની સંખ્યા ૨૨ થઇ ગઇ : અમદાવાદમાં વધુ એકના મોત સાથે મૃતાંક ત્રણ : ગીરસોમનાથ, પોરબંદરમાં નવા પોઝિટિવ કેસ થયા

અમદાવાદ, તા.૨૯ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. કોરોનાનો કાળોકેર ગુજરાતમાં પણ જારી રહ્યો છે. કેસોની સંખ્યામાં સતત વધારો થતાં તંત્ર પણ ચિંતાતુર છે. લોકડાઉનના કઠોર અમલ છતાં કેસો વધી રહ્યા છે. આજે ગુજરાતમાં નવા કેસોની સાથે જ કેસોની સંખ્યા વધીને ૬૩ ઉપર પહોંચી હતી જ્યારે મોતનો આંકડો પાંચ ઉપર પહોંચ્યો છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સુરત, ગીરસામનાથ, પોરબંદર, રાજકોટમાં પણ કેસોમાં વધારો થયો હતો. અમદાવાદમાં પણ નવા કેસો ઉમેરાયા છે. નવા વિસ્તારો પણ કોરોનાના સકંજામાં આવી રહ્યા છે. તંત્ર સાવચેત છે અને તમામ પગલા લઇ રહ્યું છે છતાં કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં આજે વહેલી સવારે ૪૫ વર્ષીય એક પુરૂષનું કોરોનાનાા કારણે મોત નોંધાતા અમદાવાદમાં કોરોનાના કહેરમાં અત્યારસુધીમાં ત્રણના મોત નોંધાયા છે, જયારે સમગ્ર રાજયમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક પાંચનો થયો છે.

               જેમાં ત્રણ અમદાવાદમાં, એક ભાવનગર અને એક સુરતમાં મોત સામે આવ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં ૨૨, ગાંધીનગર-૯, વડોદરા-૯, રાજકોટ-૯, સુરત-૮, કચ્છ-૧, મહેસાણા-૧, ગીર સોમનાથ-૨, ભાવનગર-૧, પોરબંદરમાં ૧ કેસ નોંધાયો છે. કોરોના સામે લડવા ૧૦ ટીમો બનાવવામાં આવી છે. બીજીબાજુ, કોરોના કહેરને અટકાવવા અને પ્રજાના આરોગ્યની ચકાસણીના ભાગરૂપે રાજયભભરમાં અત્યાર સુધીમાં પાંચ કરોડ લોકોનો સર્વે હાઉસ ટુ હાઉસ અને ફોનથી કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ વધુમાં ઉમેર્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે.

             આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે ૧૪ દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે ૧૯,૬૬૧ વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ છે. તેમજ ક્વોરેન્ટાઈનનો ભંગ કરનાર ૨૩૬ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જરૂર પડ્યે તો જ બહાર નીકળીએ. સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. સિનિયર સિટીઝનથી અંતર રાખવું જરૂરી છે જે તેમના માટે સારું છે. ગામડામાં સારી રીતે સર્વે ચાલી રહ્યો છે. હાલમાં જે લોકો પોઝિટિવ છે અને હોસ્પિટલમાં દાખલ છે એમને ત્યાં જ રખાશે. નવા કેસ જ હવે નવી કોવિડ હોસ્પિટલમાં લેવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. આજે ગીરસોમનાથમાં બે, પોરબંદરમાં એક, અમદાવાદમાં એક, રાજકોટમાં એક સપાટી પર આવ્યા હતા. કોરોના સામે લડવા અભૂતપૂર્વ આયોજન કરાયું હોવા છતાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસો પણ આવ્યા છે જે વધુ ચિંતા ઉપજાવે છે પરંતુ તંત્ર સંપૂર્ણપણે સાબદુ છે.

(9:25 pm IST)