ગુજરાત
News of Sunday, 29th March 2020

રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન લીધે કોરોનાના કેસો વધ્યા છે

કુલ ૬૩ પૈકી ૨૬ લોકલ ટ્રાન્સમિશનથી થયા : ગાંધીનગરમાં કુલ નવ કેસમાંથી ૭ લોકલ ટ્રાન્સમિશનના છે : લોકલ ટ્રાન્સમિશન કેસો રોકવાની બાબત પડકારરુપ

અમદાવાદ,તા. ૨૯ : રાજયમાં હવે કોરોના વાઇરસનો પ્રસાર અને ચેપ લોકલ ટ્રાન્સમિશન મારફતે ખતરનાક રીતે ફેલાઇ રહ્યો છે, જે ખરેખર સરકાર, તંત્ર અને પોલીસ માટે એક પડકાર સમાન છે. વિદેશથી આવેલા પ્રવાસીઓ મારફતે કોરોનાનો ચેપ ફેલાવાની દહેશત વધુ હતી પરંતુ વિદેશથી આવેલા લોકો મારફતે સ્થાનિક લોકોમાં ફેલાઇ ચૂકેલો આ ખતરનાક વાઇરસ હવે સ્થાનિક લોકો મારફતે તેમની આસપાસના, આડોશ પાડોશ કે તેમના સંપર્કમાં આવનારા લોકો સુધી ફેલાઇ રહ્યો છે, જેને લઇ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગુજરાત રાજયમાં સરકાર અને પોલીસ દ્વારા લોકડાઉનની સ્થિતિ વધુ કડક બનાવવામાં આવી રહી છે. તેની પાછળનું એક કારણ એ પણ છે કે, ગુજરાતમાં નોંધાયેલા કોરોના પોઝિટિવના કુલ ૫૮ કેસમાં વિદેશથી આવેલા પ્રવાસીઓ જેટલા જ કેસો લોકલ ટ્રાન્સમિશનના બહાર આવી રહ્યા છે. ગુજરાતના કુલ ૫૮ કેસમાં વિદેશના ૨૮ કેસની સાથે લોકલ ટ્રાન્સમિશનના ૨૬ અને આંતરરાજ્યના ૪ કેસ છે. ગુજરાતમાં કોરોનાના કારણે થયેલા ૫ાંચ મોતમાં પણ ૨ લોકલ ટ્રાન્સમિશન અને ૨ આંતરરાજ્યના કેસ છે.

          ગુજરાતમાં ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન બહાર નીકળતા લોકો સામે સરકારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કુલ ૫૮ કેસ અને ૫ના મોત થયા છે. તે જોતા અમદાવાદમાં કુલ કોરોનાના ૨૧ પોઝિટિવ કેસમાં ૭ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે, જયારે ૨ આંતર રાજ્ય અને ૧૨ વિદેશના છે. આ ઉપરાંત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તો લોકલ ટ્રાન્સમિશનના કેસ સૌથી વધુ છે. ગાંધીનગરમાં કુલ ૯ કેસમાં ૭ લોકલ ટ્રાન્સમિશનના છે. જ્યારે રાજકોટમાં પણ કુલ ૮ કેસમાં ૬ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરતમાં કુલ ૭ કેસમાં ૨ લોકલ અને ૪ વિદેશી છે. વડોદરામાં પણ કુલ ૯ કેસમાં ૩ લોકલ ટ્રાન્સમિશન વાળા છે. ગુજરાતમાં કોરોનાના કારણે થયેલા ૫ વ્યક્તિના મોતમાં ૨ લોકલ ટ્રાન્સમિશન અને ૨ આંતરરાજ્યના અને માત્ર એક જ વિદેશનો કેસ છે. આ સંજોગોમાં કોરોનાનો કહેર લોકલ ટ્રાન્સમીશનના કારણે ખતરનાક હદે વધી રહ્યો છે, જેને લઇ સરકાર અને તંત્ર પણ ચિંતિત બન્યું છે અને તેથી જ આગામી દિવસોમાં લોકડાઉન સહિતની કાર્યવાહી વધુ આકરી બનાવવામાં આવશે તે નક્કી છે. નવા કેસો નવા વિસ્તારમાં નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા. ૨૯ : ગુજરાતમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૬૩ થઇ છે.

શહેર

કેસ

અમદાવાદ

૨૨

વડોદરા

૦૯

સુરત

૦૮

રાજકોટ

૦૯

ગાંધીનગર

૦૮

કચ્છ

૦૧

ભાવનગર

૦૧

મહેસાણા

૦૧

ગીરસોમનાથ

૦૨

પોરબંદરમાં

૦૧

ગુજરાતમાં કુલ કેસ

૬૩

(9:28 pm IST)