ગુજરાત
News of Saturday, 29th February 2020

મોડાસા સ્કુલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે ખરાબ વર્તન

શિક્ષકના અડપલાથી ગ્રામ્ય લોકોમાં આક્રોશ : ફરાર શિક્ષકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદ,તા. ૨૯ : સ્કુલી શિક્ષકો દ્વારા વિદ્યાર્થનીઓ સાથે શારીરિક અડપલા અને અન્ય પ્રકારથી હેરાનગતિ કરવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. હવે મોડાસાની એક સ્કુલમાં આવો એક મામલો સપાટી પર આવતા ખભળાટ મચી ગયો છે. પોલીસે ફરાર થયેલા શિક્ષકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અરવલ્લી જિલ્લામાં શિક્ષકને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં મોડાસાની કુંડોલ પ્રાથમિક શાળામાં શિક્ષકે ઘોરણ-૮માં ભણતી વિદ્યાર્થીનીને અડપલાં કર્યા હતા અને તેની શારીરિક છેડતી કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થીનીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.

       તો, બીજીબાજુ, શિક્ષકની કાળી કરતૂતને લઇ સ્થાનિક ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુંડોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આરોપી શિક્ષક પ્રવીણભાઇએ શાળામાં એકલતાનો લાભ લઇ ધોરણ-૮ની માસૂમ વિદ્યાર્થીનીને પોતાની પાસે બોલાવી તેના ગાલ અને શરીરના અન્ય ભાગો પર સ્પર્શ કરી અડપલાં કરતો હતો અને તેની શારીરિક છેડતી કરતો હતો પરંતુ આરોપી શિક્ષકની કાળી કરતૂતનો ભાંડો ફુટી જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. કુંડોલ ગામની પ્રાથમિક શાળાનો લંપટ શિક્ષક અડપલાં કરતો હોવાની ફરિયાદથી વાલીઓએ શાળામાં એકઠાં થઈને જોરદાર હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે પણ આરોપી શિક્ષકની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.

(8:32 pm IST)