ગુજરાત
News of Sunday, 29th January 2023

પેપર લીક કૌભાંડ પાછળ સંગઠિત ગેંગ દ્વારા ઓર્ગેનાઇઝડ ક્રાઈમ: સો દિવસમાં પરીક્ષા ફરી લેવા ખાતરી આપી: તારીખ હવે જાહેર થશે

પાંચ વર્ષંમા ૨૧ હજાર જગ્યાઓ ભરવા માટે ૪૧ જેટલા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં ૩૦ લાખથી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજયાનો દાવો

ગાંધીનગર તા. ૨૯ (અશ્વિન વ્યાસ દ્વારા) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ની જાહેરાત ક્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ / હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા આજે  તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર)ના રોજ સવારે ૧૧થી ૧૨ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી.

આજે વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ પરત્વે માત્ર બે જ કલાકમાં અસરકારક પગલા લઇ તાકીદની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલ તથ્યો જોતા સદર કૃત્ય ગુજરાત રાજય બહારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ સંગઠીંત ગેંગ હોવાનું જણાય છે, જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે. ઉપરોકત પરીક્ષાના આયોજનને ધ્યાને લઇ પોલીસ તંત્ર ધ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતું અને અનિષ્ટ તેમજ અસામાજીક તત્વો ઉપર નજર  રાખવામા આવેલ હતી જેના પરિણામે ઉપરોકત ગુન્હો બને તે પહેલા જ આવા કૃત્યમાં સંડોવાયેલ ૧૫ જેટલા  ઇસમોની અટક કરી આગળની ઘનિષ્ઠ પુછપરછ તથા તપાસની કાર્યવાહી  હાથ ધરવામાં આવેલ છે.

મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી  ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.

આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી ૧૦૦ દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

મંડળ ધ્વારા અત્યાર સુધી છેલ્લા ૦૫ વર્ષંમા ૨૧૦૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે ૪૧ જેટલા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં ૩૦ લાખ થી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પૂર્વક યોજેલ છે, અને આ પરીક્ષાઓમાં તમામ સુરક્ષા, તકેદારી અને કાળજી રાખીને ઉમેદવારોની તદન પારદર્શક પધ્ધતિથી પસંદગી કરવામાં આવેલ છે.  

     જેથી ઉપરોકત સંવર્ગ માટે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી  માત્ર લાયક ઉમેદવારોની જ પસંદગી કરવા મંડળ કટીબધ્ધ છે તેમ મંડળની એક યાદીમાં જણાવ્યું છે.

(4:50 pm IST)