ગુજરાત
News of Saturday, 28th January 2023

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાને લઈને કોંગ્રેસ અને BJP વચ્ચે શાબ્દિકયુદ્ધ શરૂ

કોંગ્રેસ વતી ધારાસભ્ય દળના નેતાનું નામ નક્કી કર્યા બાદ પણ વિધાનસભાના અધ્યક્ષ અને BJP તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા કોંગ્રેસે BJPને ખાનદાની બતાવવાની સલાહ આપી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાને લઈને કોંગ્રેસ અને BJP વચ્ચે શાબ્દિકયુદ્ધ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ વતી ધારાસભ્ય દળના નેતાનું નામ નક્કી કર્યા બાદ પણ વિધાનસભાના અધ્યક્ષ અને BJP તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા કોંગ્રેસે BJPને ખાનદાની બતાવવાની સલાહ આપી છે. પોરબંદરમાંથી જીતીને વિધાનસભામાં પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અર્જુન મોઢવાડિયાએ સીધું BJP પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચાર્જ સંભાળ્યો તે પ્રસંગે મોઢવાડિયાએ કહ્યું કે, BJPએ 156 બેઠકો જીતી છે. તેમણે ખાનદાની બતાવવી જોઈએ. BJPએ આછકલાપણું બતાવવાને બદલે ગૌરવ અને ઉદારતા દાખવવી જોઈએ. મોઢવાડિયાનું નિવેદન, BJPના પ્રદેશ પ્રમુખ CR પાટીલના એ નિવેદન પછી આવ્યું છે, જેમાં પાટીલે કહ્યું હતું કે, લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ અને તે સત્તાધારી પક્ષની જવાબદારી નથી. પક્ષે પોતે વિપક્ષ બનવા માટે સખત મહેનત કરવી જોઈએ. પાટીલે સુરતમાં મીડિયાના પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. ત્યારથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ મળશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમિત ચાવડા સાથે કોંગ્રેસના નેતાઓ સ્પીકર શંકર ચૌધરીને મળ્યા હતા, પરંતુ હજુ સુધી સ્પીકર તરફથી પણ કોંગ્રેસના નેતાઓને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસની ધીરજનો અંત આવી રહ્યો છે. આ પછી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ BJPને ખાનદાની બતાવવાની સલાહ આપી છે. તો બીજી તરફ BJP કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવાના મૂડમાં નથી. જો આમ થશે તો રાજ્યમાં લાંબા સમયથી વિપક્ષની ભૂમિકા નિભાવી રહેલી કોંગ્રેસ પણ આ પદ ગુમાવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. 24મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કુનભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે.

જો કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાને વિપક્ષના નેતાનો દરજ્જો નહીં મળે તો, ગુજરાત વિધાનસભામાં પહેલીવાર એવું બનશે કે વિપક્ષની પાસે વિપક્ષના નેતાનો દરજ્જો નહીં હોય અને કોઈ પણ નેતા વિરોધ પક્ષનો નહિ હોય. હાલમાં આ જગ્યા ખાલી પડી છે. BJP કોંગ્રેસને આ પદ આપે તેવી શક્યતા ઓછી છે, કારણ કે વિપક્ષના નેતાનો આ બંગલો પહેલાથી જ શિક્ષણ મંત્રી કુબેર સિંહ ડીંડોરને ફાળવી આપવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા પ્રજા સમાજવાદી પક્ષના નેતા નગીનદાસ ગાંધીના નામે નોંધાયેલા છે. આ પછી ફ્રીડમ પાર્ટીના ભાઈલાલભાઈ પટેલ વિરોધ પક્ષના નેતા બન્યા. 1968માં અપક્ષ જયદીપ સિંહજીને વિપક્ષના નેતા બનવાની તક મળી. આ પછી 1970માં પહેલીવાર કોંગ્રેસ વિપક્ષમાં ગઈ અને કાંતિલાલ ઘિયા વિપક્ષના નેતા બન્યા. તેમના પછી કોંગ્રેસના ચીમનભાઈ પટેલ અને માણેકલાલ ગાંધી, માધવસિંહ સોલંકી વિપક્ષના નેતા બન્યા. 1976માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (O) બાબુભાઈ J પટેલ વિરોધ પક્ષના નેતા બન્યા. તેમના પછી કોંગ્રેસ ફરી વિપક્ષમાં આવી અને માધવસિંહ સોલંકી વિપક્ષના નેતા બન્યા. આ પછી જનતા પાર્ટીના દલસુખ ભાઈ ગોધાણી, કોંગ્રેસના ચીમનભાઈ પટેલ, C.D.પટેલ બન્યા.

ઓક્ટોબર 1990માં પહેલીવાર BJPને વિપક્ષના નેતાનું પદ મળ્યું અને પીઢ પાટીદાર નેતા કેશુભાઈ પટેલ વિપક્ષના નેતા બન્યા અને પાંચ વર્ષ સુધી આ પદ સંભાળ્યું. આ પછી BJP સત્તામાં આવ્યું અને કોંગ્રેસ વિપક્ષમાં ગઈ, આ પછી અમરસિંહ ચૌધરી, BJPના સુરેશ મહેતા, ફરી અમરસિંહ ચૌધરી, નરેશ રાવલ, અમરસિંહ ચૌધરી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, મોહન રાઠવા, પરેશ ધાનાની અને પછી સુખરામ રાઠવા વિપક્ષના નેતા બન્યા.

(1:05 am IST)